ભાવનગર જિલ્લા જેલમાં ગુજસીટોક જેવા ગંભીર ગુનાના આરોપી એવા પથુભા ગોહિલ (પીપરાળી)નું રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાના વિરોધમાં ક્ષત્રિય સમાજ ખુલ્લેઆમ મેદાને આવ્યો છે અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મૃતકના પરિવારજનો અને ક્ષત્રિય સમાજના આગેવાનોનું સ્પષ્ટપણે કહેવું છે કે પથુભા સામે જાણી જોઈને ખોટી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમને પોલીસ તપાસ દરમિયાન ભારે માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું અવસાન થયું છે. આ ગંભીર મામલે મૃતદેહને હાલ સર ટી. હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે અને પરિવાર પોતાની માંગણીઓ પર અડગ છે.
પરિવારજનો દ્વારા અગાઉ જ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને તત્કાલિન ડીવાયએસપી અંશુલ જૈન, મૂળ ફરિયાદી વલ્લભભાઈ વિરડીયા તેમજ આ સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલા અન્ય જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર પ્રકરણની સત્યતા બહાર લાવવા માટે એસઆઈટી (SIT) દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની પણ માંગ ઉઠી છે. જ્યાં સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે અને દોષિતો સામે પગલાં નહીં ભરાય, ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે તેવી જીદ પર પરિવાર મક્કમ છે, જેના કારણે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે.
આ સમગ્ર વિવાદને પગલે ભાવનગરની સર ટી. હોસ્પિટલ પરિસરમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે, જ્યાં આગળની રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચાઓ ચાલી રહી છે. અગાઉ ક્ષત્રિય સમાજ દ્વારા દરેક તાલુકે કેન્ડલ માર્ચ અને જિલ્લા સ્તરે ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે પરંતુ પરિસ્થિતિની ગંભીરતા જોતા આગામી સમયમાં આંદોલન ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. હાલ તો સર ટી. હોસ્પિટલ ખાતે જમા થયેલા લોકટોળા અને ક્ષત્રિય સમાજની બેઠક પર સૌની મીટ માંડયેલી છે કે તંત્ર આ મામલે શું નવો નિર્ણય લે છે.
