JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

અમદાવાદ મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ઈવી પોલિસી જાહેર, વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊભા થશે ૩,૦૬૩ ચાર્જિંગ પોઈન્ટ

અમદાવાદ મહાનગરપાલિકાની ડ્રાફ્ટ ઈવી પોલિસી જાહેર, વર્ષ ૨૦૩૦ સુધીમાં ઊભા થશે ૩,૦૬૩ ચાર્જિંગ પોઈન્ટ
શહેરમાં વધી રહેલા ઈલેક્ટ્રિક વાહનોની માંગ અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને AMCએ ડ્રાફ્ટ ઈવી પોલિસી-૨૦૨૬ જાહેર કરી છે, જેના દ્વારા ૨૦૩૦ સુધીમાં ૮૧ સ્થળોએ ૩,૦૬૩ ચાર્જિંગ પોઈન્ટ્સ વિકસાવવામાં આવશે.

અમદાવાદ શહેરમાં ઈલેક્ટ્રિક વાહનો (EV)ના વપરાશને વેગ આપવા અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા 'ડ્રાફ્ટ ઈવી પોલિસી-૨૦૨૬' રજૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૩૦માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ અગાઉ શહેરી માળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવાના આયોજનના ભાગરૂપ આ ડ્રાફ્ટ તૈયાર કરાયો છે. હાલમાં શહેરમાં કુલ ૫૦ લાખથી વધુ વાહનો નોંધાયેલા છે, જેમાં ઈવીનો હિસ્સો અંદાજે ૨.૫થી ૩ ટકા છે, પરંતુ નવા વાહનોના વેચાણમાં આ પ્રમાણ વધીને ૬થી ૮ ટકા સુધી પહોંચ્યું છે. મનપાના બેઝ એસેસમેન્ટ અનુસાર આગામી ૨૦૩૦ સુધીમાં શહેરમાં અંદાજે ૨.૪૫ લાખ જેટલા ઈલેક્ટ્રિક વાહનો દોડતા થશે, જેને ધ્યાનમાં રાખીને આ વ્યાપક માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે જે અંગે નાગરિકો પાસેથી આગામી ૩૦ દિવસમાં વાંધા-સૂચન મંગાવવામાં આવ્યા છે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના ચારેય ઝોનમાં આવેલા બ્રિજ નીચેના વિસ્તારો, મલ્ટીલેવલ પાર્કિંગ, મ્યુનિસિપલ પ્લોટ્સ, સબ ઝોનલ કચેરીઓ તેમજ AMTS અને BRTS ટર્મિનસ સહિત કુલ ૮૧ મુખ્ય સ્થળોની પસંદગી કરવામાં આવી છે જે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે પાંચ વર્ષની લીઝ પર વિકસાવવામાં આવશે. ચાર્જિંગ સુવિધાના સંચાલન માટે દરો પણ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં જનમાર્ગ અને AMTS દ્વારા ડેવલપ કરાયેલ ઓન-રૂટ ચાર્જિંગ સ્ટેશનો પર ખાનગી ઈલેક્ટ્રિક વાહનો માટે પ્રતિ યુનિટ ₹૧૮ અને GST લાગુ થશે, જ્યારે સરકારી બસો માટે આ દર પ્રતિ યુનિટ ₹૧૬ રહેશે. વળી, આ પોલિસીના અમલીકરણને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યું છે, જેમાં પહેલા તબક્કામાં ડેપો અને પબ્લિક પાર્કિંગ ખાતે ફાસ્ટ ચાર્જિંગ સુવિધા ઊભી થશે, બીજા તબક્કામાં મોલ, હોસ્પિટલ અને સોસાયટીઓ સુધી વિસ્તાર થશે અને ત્રીજા તબક્કામાં સ્માર્ટ તથા રિન્યુએબલ એનર્જી આધારિત હેવી ડ્યુટી સેગમેન્ટની કામગીરી હાથ ધરાશે.

શહેરના તમામ ભૌગોલિક વિસ્તારોને આવરી લેવા માટે મધ્ય ઝોનમાં દાણાપીઠ અને રાયપુર મલ્ટીલેવલ પાર્કિંગ, પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા અને સોલા રોડ, પૂર્વ તથા દક્ષિણ ઝોનમાં નિકોલ અને કાંકરિયા તળાવ પરિસર તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એસ.જી. હાઈવે, બોપલ અને શેલા જેવા મુખ્ય વિસ્તારોમાં આ સ્ટેશનો સ્થાપવામાં આવશે. એટલું જ નહીં, નવા બનતા હાઈરાઈઝ બિલ્ડિંગો અને રહેણાંક સોસાયટીઓમાં પણ પાર્કિંગ ક્ષમતા મુજબ ઈવી ચાર્જિંગ પોઈન્ટ ફરજિયાત બનાવવામાં આવ્યા છે, જેથી નાગરિકોને પોતાના વાહનો ઘર કે કાર્યસ્થળની નજીક જ સરળતાથી ચાર્જ કરવાની સુવિધા મળી રહે અને ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળે.

ઓટોમોબાઈલ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES