યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ ગુરુવારે રાત્રે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, યુક્રેન પાસે વિશ્વસનીય ગુપ્તચર માહિતી છે કે રશિયા આગામી દિવસોમાં દેશ પર વધુ એક મોટો મિસાઈલ હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને તેમણે દેશવાસીઓને ખાસ અપીલ કરી છે કે જ્યારે પણ મિસાઈલ હુમલાના સાયરન વાગે, ત્યારે લોકોએ તકેદારી રાખીને સુરક્ષિત સ્થાનો પર આશરો લેવો જોઈએ. સપ્ટેમ્બર મહિનાથી રશિયન દળો સતત કીવ સહિત યુક્રેનના અનેક શહેરોને નિશાન બનાવી રહ્યા છે, જેના કારણે સામાન્ય જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે.
તાજેતરના આક્રમણમાં રશિયાએ રાત્રે કીવ પર બેલેસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો, જેમાં એક શોપિંગ સેન્ટર અને બે અન્ય ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું અને સાત લોકો ઘાયલ થયા હતા. કીવના મેયર વિટાલી ક્લિટ્સ્કોએ આ હુમલાની પુષ્ટિ કરી છે, જ્યારે મોસ્કોએ દાવો કર્યો હતો કે તેણે શહેરમાં ડ્રોન-સંબંધિત સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ સતત થઈ રહેલા હુમલાઓ વચ્ચે યુક્રેન પણ બેસી રહ્યું નથી અને રશિયાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
યુક્રેનની લશ્કરી ગુપ્તચર સંસ્થા અને સેનાના જણાવ્યા અનુસાર, યુક્રેનિયન ડ્રોન્સે રશિયાના દક્ષિણી ક્રાસ્નોદર ક્ષેત્રની એક ઓઇલ રિફાઇનરી પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત, મધ્ય બશ્કોર્ટોસ્તાન પ્રદેશમાં રશિયાની ટ્રાન્સનેફ્ટ ઓઇલ સુવિધા અને વોલ્ગોગ્રાડ ક્ષેત્રના મારિનવકા લશ્કરી એરફિલ્ડ પર પણ ઓઇલ રિઝર્વને નિશાન બનાવીને હુમલા કરવામાં આવ્યા છે. જોકે, બંને પક્ષો દ્વારા નાગરિક વિસ્તારોને નિશાન બનાવવાનો ઇનકાર કરવામાં આવે છે, પરંતુ આ ભીષણ સંઘર્ષને કારણે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં તણાવ સતત ચરમસીમા પર પહોંચી ગયો છે.
