કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (EPC) કોન્ટ્રાક્ટ્સ માટેના 'રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ' (RFP) ફ્રેમવર્કમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. માર્ચ 2019ના જૂના નિયમોને બદલીને લાવવામાં આવેલી આ નવી સિસ્ટમનો મુખ્ય હેતુ કોન્ટ્રાક્ટરની પસંદગીની પ્રક્રિયાને વધુ પારદર્શક અને પર્ફોર્મન્સ-ઓરિએન્ટેડ બનાવવાનો છે. અગાઉ કોન્ટ્રાક્ટરોની બિડિંગ ક્ષમતા તેમના શ્રેષ્ઠ નાણાકીય વર્ષના આધારે નક્કી થતી હતી, જેને હવે બદલીને તેમના વાસ્તવિક કામગીરી રેકોર્ડ અને પ્રોજેક્ટ વિલંબ સાથે જોડવામાં આવી છે. આ પગલાથી નબળા ટ્રેક રેકોર્ડ ધરાવતી અને ક્ષમતા કરતા વધુ કામ સ્વીકારતી એજન્સીઓ આપોઆપ રેસમાંથી બહાર થઈ જશે.
નવા સુધારેલા નિયમો અંતર્ગત સરકાર ટેન્ડર પ્રક્રિયામાં પણ કડકાઈ દાખવી રહી છે, જેમાં બીજા કે ત્રીજા સૌથી ઓછા બોલી લગાવનાર (L2 કે L3) કોન્ટ્રાક્ટરોને ક્રમશઃ કાઉન્ટર-ઓફર આપવાની જૂની પદ્ધતિ નાબૂદ કરવામાં આવી છે. જો સૌથી ઓછી બોલી લગાવનાર કોન્ટ્રાક્ટર અપાત્ર ઠરે, તો સત્તાધિકારીઓ સમગ્ર બિડિંગ પ્રક્રિયા રદ કરીને ફરીથી નવા ટેન્ડર આમંત્રિત કરી શકશે. આ ઉપરાંત, જોઈન્ટ વેન્ચર (JV) માટેના નિયમોમાં પણ મોટા બદલાવ લાવવામાં આવ્યા છે, જેમાં ભાગીદારોની મહત્તમ સંખ્યા ત્રણથી ઘટાડીને બે કરવામાં આવી છે. હવે ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સમાં જ જોઈન્ટ વેન્ચરને મંજૂરી મળશે અને અન્ય સભ્ય માટે સહભાગિતાની લઘુત્તમ આવશ્યકતાઓ પણ વધારવામાં આવી છે.
માળખાકીય પ્રોજેક્ટ્સની ગુણવત્તા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ કરીને મોટા પુલો, સ્ટ્રક્ચર્સ અને ટનલ જેવા વિશેષ કાર્યો માટે ટેકનિકલ પાત્રતાના માપદંડો વધુ કડક કરવામાં આવ્યા છે. મંત્રાલયે બિન-કાર્યક્ષમતાના માપદંડોને ૨૦ થી ઘટાડીને ૭ કર્યા છે, જેનાથી સ્પષ્ટ આકારણી થઈ શકે. સાથે જ, બિડર્સે તેમની ચાલુ અદાલતી કાર્યવાહી, વિવાદો અને લિટિગેશનની વિગતો પારદર્શક રીતે જાહેર કરવી પડશે. પરફોર્મન્સ સિક્યોરિટીને પણ કોન્ટ્રાક્ટરના રેટિંગ સાથે જોડી દેવામાં આવી છે, જે બિડ કિંમતના ૩% થી ૫% વચ્ચે રહેશે, જેથી સમયસર અને ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવાની જવાબદારી નિશ્ચિત બને.
