JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

યુકેમાં નેટ માઈગ્રેશન છેલ્લા ત્રણ દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું

યુકેમાં નેટ માઈગ્રેશન છેલ્લા ત્રણ દાયકાના સૌથી નીચલા સ્તરે પહોંચ્યું
બ્રિટનમાં કોવિડ મહામારીના સમયગાળાને બાદ કરતા વાર્ષિક નેટ માઈગ્રેશનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જે ઘટીને ૭૭,૦૦૦ પર આવી ગયું છે. નેટ માઈગ્રેશનમાં આવેલા આ ભારે ઘટાડાથી સરકાર પરનું રાજકીય દબાણ હળવું થયું છે પરંતુ અર્થતંત્ર પર તેની વિપરીત અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, જૂન સુધીના ૧૨ મહિનામાં બ્રિટનમાં નેટ માઈગ્રેશન ઘટીને ૭૭,૦૦૦ થઈ ગયું છે, જે અગાઉના વર્ષે ૨,૦૪,૦૦૦ હતું. વર્ષ ૧૯૯૭ પછીનું આ સૌથી નીચું સ્તર છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં નેટ માઈગ્રેશન લગભગ ૧૦ લાખની રેકોર્ડ સપાટીએ પહોંચ્યું હતું, જેની સરખામણીમાં તેમાં આશરે ૯૦ ટકાનો જંગી ઘટાડો થયો છે. ભૂતકાળમાં કન્ઝર્વેટિવ વડાપ્રધાન ડેવિડ કેમેરોન સહિતના અનેક નેતાઓ માઈગ્રેશન ઘટાડવાના વાયદા કરી ચૂક્યા હતા, પરંતુ આ સ્તરે પહોંચાડવામાં હવે સફળતા મળી છે.

બ્રિટનમાં કાયદેસર અને ગેરકાયદેસર ઇમિગ્રેશનનો મુદ્દો છેલ્લા એક દશકાથી રાજકીય ચર્ચાના કેન્દ્રમાં રહ્યો છે. યુરોપિયન યુનિયનમાંથી અનિયંત્રિત ઇમિગ્રેશનની ચિંતાએ જ વર્ષ ૨૦૧૬માં બ્રેક્ઝિટના સમર્થનમાં મતદાન કરવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા. વર્તમાન લેબર સરકારે ઇમિગ્રેશનના નિયમોને વધુ કડક બનાવવાનો સંકેત આપ્યો છે અને કાયમી વસવાટ માટેની રાહ જોવાની મર્યાદા પાંચ વર્ષથી વધારીને દસ વર્ષ કરવાની યોજના બનાવી છે. જોકે, ચૂંટણીલક્ષી અને રાજકીય દબાણ ઓછું થયું હોવા છતાં, કમરતોડ નિયમોને કારણે દેશની સરહદોની સુરક્ષા અને રાજકીય સમીકરણો પર હજુ પણ ચર્ચા ચાલી રહી છે.

બીજી બાજુ, અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોની ચેતવણી છે કે ઇમિગ્રેશનમાં સતત ઘટાડો થવાથી બ્રિટનનું વર્કફોર્સ સંકોચાઈ શકે છે અને આર્થિક વિકાસની સંભાવનાઓને ફટકો પડી શકે છે. ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના અંદાજ મુજબ, જો લાંબા ગાળે નેટ માઈગ્રેશન શૂન્ય થઈ જાય, તો વર્ષ ૨૦૬૦ સુધીમાં દેશનું અર્થતંત્ર ૧૫ ટકા જેટલું નાનું થઈ જશે અને ટેક્સની આવક ઘટવાથી સરકારી દેવામાં પણ વધારો થશે. આમ, એક તરફ રાજકીય રાહત મળી છે તો બીજી તરફ ભવિષ્યના આર્થિક પડકારોને પહોંચી વળવા માટે સરકાર સમક્ષ નવા પ્રશ્નો ઊભા થયા છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES