વૈશ્વિક સ્તરે ટેક્નોલોજી ક્ષેત્રે મોટું નામ ધરાવતી કંપની આઈબીએમ (IBM) દ્વારા અમેરિકામાં સ્થિત તેના કર્મચારીઓ માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ એચ-વનબી (H-1B) વિઝા અને ગ્રીન કાર્ડ પર કામ કરતા કર્મચારીઓને માત્ર ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે, જેમાં તેમણે નક્કી કરવાનું રહેશે કે તેઓ અન્ય દેશમાં સ્થળાંતર કરવા માંગે છે કે પછી કંપની છોડવા માંગે છે. આઈબીએમ દ્વારા કન્સલ્ટિંગ ડિવિઝનમાં મોટાભાગની પોસ્ટ માટે ઇમિગ્રેશન સ્પોન્સરશિપ બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે અમેરિકામાં કાયમી વસવાટ કે નોકરી અર્થે વિઝા પર નિર્ભર વિદેશી વ્યાવસાયિકોના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.
રિપોર્ટ અનુસાર, મેનેજરો સાથેની વ્યક્તિગત કારકિર્દી ચર્ચા દરમિયાન કર્મચારીઓને આ નિર્ણય વિશે જાણકારી આપવામાં આવી હતી. જે કર્મચારીઓ વિદેશમાં નોકરી સ્વીકારવા તૈયાર ન હોય તેમને ત્રણ મહિનાનું સિવરન્સ પેકેજ આપવાની ઓફર કરવામાં આવી છે. આ સાથે જ, જે કર્મચારીઓ વિદેશમાં સ્થળાંતર કરવાના બદલે નોકરી છોડવાનું પસંદ કરશે તેઓ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૬ સુધી કંપનીમાં પોતાની સેવાઓ આપી શકશે. આ નવો નિયમ આઈબીએમના સૌથી મોટા ડિવિઝન એવા 'આઈબીએમ કન્સલ્ટિંગ' પર લાગુ થશે, જેમાં સમગ્ર વિશ્વમાં ૧૫૦,૦૦૦થી વધુ લોકો કામ કરી રહ્યા છે, જોકે કંપનીએ પ્રભાવિત થનાર કર્મચારીઓની ચોક્કસ સંખ્યા હજુ સુધી જાહેર કરી નથી.
કંપનીના આ નિર્ણય બાદ વિદેશી કર્મચારીઓ માટે મુખ્ય વિકલ્પ તરીકે ભારત ઉભરીને આવી રહ્યું છે, કારણ કે આઈબીએમના કરિયર પોર્ટલ પર બહાર પાડવામાં આવેલી વિદેશી ખાલી જગ્યાઓમાં સૌથી વધુ જોબ ઓપનિંગ્સ ભારતમાં ઉપલબ્ધ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે કન્સલ્ટિંગ ડિવિઝનમાં કુશળ કામદારોની બદલાતી જરૂરિયાતો અને ક્લાયન્ટ્સની માંગને ધ્યાનમાં રાખીને વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જોકે આ ફેરફાર માત્ર કન્સલ્ટિંગ વિભાગ પૂરતો જ મર્યાદિત છે અને કંપનીના અન્ય વ્યાવસાયિક એકમો પર તેની કોઈ અસર નહીં પડે.
