આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લામાં રંગામ્પેટા મંડળના પેદારાણાવરમ પાસે આવેલા એડીબી રોડ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રોડ જંક્શન પર નવીન નામનો એક બાઈક સવાર કથિત રીતે રોંગ સાઈડ પર પોતાની મોટરસાઈકલ ચલાવી રહ્યો હતો, ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર દુર્ઘટના સ્પષ્ટપણે રેકોર્ડ થઈ છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
સીસીટીવી ફૂટેજ મુજબ, જ્યારે બાઈક સવાર વિરુદ્ધ દિશામાંથી રોડ જંક્શન પર પ્રવેશ્યો, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી એક સફેદ રંગની એસયુવીએ તેને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરની અસર ઓછી થાય તે પહેલા જ, માત્ર સેકન્ડોના અંતરમાં પાછળથી આવી રહેલી એક મહિન્દ્રા થાર ગાડીએ પણ બાઈક સવારને બીજી વખત ટક્કર મારી હતી. આ બેવડા પ્રહારને કારણે બાઈક સવાર હવામાં ઊંચે ફંગોળાયો હતો અને હવામાં પલટીઓ ખાધા બાદ રોડ પર જોરભેર પટકાયો હતો.
ઘટનાસ્થળે હાજર પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક લોકોને અકસ્માતની ભયાનકતા જોઈને એમ જ લાગ્યું હતું કે સવારનો જીવ બચવો મુશ્કેલ છે અને તેને ગંભીર ઇજાઓ થઈ હશે. પરંતુ, આશ્ચર્યજનક રીતે નવીનનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. અકસ્માત બાદ તે જાતે જમીન પરથી ઊભો થયો, પોતાની ક્ષતિગ્રસ્ત મોટરસાઈકલને ઉપાડી અને શાંતિથી ઘટનાસ્થળેથી રવાના થઈ ગયો હતો.
