ગત 2 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે મુંબઈના શિવાજી પાર્ક ખાતે CJP દ્વારા એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે આ કાર્યક્રમ માટે સ્પષ્ટપણે પરવાનગી નકારી હોવા છતાં, આયોજકો દ્વારા નિયમોની અવગણના કરીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ ગેરકાયદેસર પ્રદર્શન બાદ શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં આયોજકો સહિત 400 થી 500 અજાણ્યા લોકો વિરુદ્ધ સખત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 189 અને 223 તેમજ મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેના ભાગરૂપે હવે અગ્રણી નેતાઓ સામે લુકઆઉટ નોટિસ જારી કરવાના પગલાં લેવામાં આવ્યા છે.
આ તપાસના સિલસિલામાં CJP નેતા સૌરવ દાસ જ્યારે બ્રિટનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન દ્વારા યોજાયેલી પેનલ ચર્ચામાં ભાગ લેવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા હતા. એરપોર્ટ પર તેમને જાણ થઈ કે તેમનો પાસપોર્ટ ફ્લેગ કરવામાં આવ્યો છે અને તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર જારી કરાયું છે. આ મામલે તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ નોટિસ મુંબઈ પોલીસની વિનંતી પર જ જારી કરવામાં આવી છે. એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ કોર્ટમાં દલીલ કરી હતી કે સૌરવ દાસના શાળાકીય અભ્યાસ, સરનામા અને પરિવારની વિગતોમાં કેટલીક વિસંગતતાઓ છે, જેના કારણે તેમની ભારતીય નાગરિકતા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
બીજી બાજુ, સૌરવ દાસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અખિલ સિબ્બલે સરકારની આ કાર્યવાહી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે કોઈપણ પૂર્વ સૂચના કે કારણદર્શક નોટિસ આપ્યા વિના કોઈ નાગરિકને વિદેશ જતા અટકાવવા તે ગેરવ્યાજબી છે અને નાગરિકો સાથે આ પ્રકારનું વર્તન ન થઈ શકે. સુનાવણી દરમિયાન વકીલે લુકઆઉટ સર્ક્યુલરની નકલની માંગણી કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે તે આપવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે જો અરજદાર ઈચ્છે તો નિયमानुसार અલગથી કાયદાકીય લડਤ લડી શકે છે.
