દેશભરમાં મેટાની વિવિધ ઓફિસો બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શનો કર્યા બાદ, હવે કોંગ્રેસે ટેકનોલોજી દિગ્ગજ કંપની મેટા સામે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા છે. કોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે મેટા પ્લેટફોર્મ કાયદેસરની રાજકીય અભિવ્યક્તિને દબાવવાનું સાધન બની ગયું છે. અદાલતમાં દાખલ કરવામાં આવેલી અરજી મુજબ, યુથ કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ મનુ જૈને આરોપ લગાવ્યો છે કે મેટા દ્વારા વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નામ અને ફોટોગ્રાફ્સને કીવર્ડ તરીકે ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોની રાજકીય પોસ્ટ્સ પર આપમેળે પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.
આ કાનૂની પગલું ભરતા પહેલા, સોમવારે મેટાના અધિકારીઓ અને કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના વડા સુપ્રિયા શ્રીનાતે વચ્ચે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન મેટાના પ્રતિનિધિઓએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ માત્ર ભારતીય કાયદાઓનું પાલન કરી રહ્યા છે અને સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓને અનુસરી રહ્યા છે. જો કે, કોંગ્રેસે આ વલણને પક્ષપાતી ગણાવ્યું હતું. સુપ્રિયા શ્રીનાતે 'એક્સ' (અગાઉ ટ્વિટર) પ્લેટફોર્મનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે અન્ય પ્લેટફોર્મ્સ કોઈપણ કાર્યવાહી કરતા પહેલા વપરાશકર્તાઓને સ્પષ્ટતા કરવાની તક આપે છે, જ્યારે મેટા દ્વારા મોદી સરકાર સામે સવાલ ઉઠાવતી સામગ્રીને જ લક્ષ્ય બનાવીને મર્યાદિત કરવામાં આવી રહી છે.
કોંગ્રેસના નેતાઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સરકારના દબાણ હેઠળ ભાજપ અને શાસક પક્ષ વિરુદ્ધની ટીકાત્મક સામગ્રીને કોઈ જ ખુલાસા વગર હટાવવામાં આવી રહી છે, જેમાં યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદય ભાનુ ચિબ અને મનીષ શર્માના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને પ્રતિબંધિત કરવા જેવી ઘટનાઓ સામેલ છે. ગત સપ્તાહે હૈદરાબાદ, મુંબઈ, ગુરુગ્રામ, દિલ્હી અને બેંગલુરુ સહિતના શહેરોમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ મેટા વિરુદ્ધ મોટા પાયે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે સોશિયલ મીડિયા દિગ્ગજો દ્વારા માત્ર વિપક્ષી સામગ્રીને વ્યવસ્થિત રીતે રોકવી તે ભારતના લોકતંત્રમાં સીધો હસ્તક્ષેપ છે, જેને સાંખી લેવામાં નહીં આવે.
