JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

BITS પિલાનીના યુવા વિદ્યાર્થીની કમાલ: વગર સિમ અને સેટેલાઇટે સૈનિકો માટે વિકસાવ્યું ‘ક્રેથ કંટ્રોલ’ રેડિયો ડિવાઇસ

BITS પિલાનીના યુવા વિદ્યાર્થીની કમાલ: વગર સિમ અને સેટેલાઇટે સૈનિકો માટે વિકસાવ્યું ‘ક્રેથ કંટ્રોલ’ રેડિયો ડિવાઇસ
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ (BITS) ના હોનહાર વિદ્યાર્થીએ ભારતીય સેના માટે એક અનોખું કોમ્યુનિકેશન ડિવાઇસ બનાવ્યું છે. આ નાનકડું રેડિયો ડિવાઇસ કોઈપણ મોબાઇલ ટાવર, સિમ કાર્ડ કે સેટેલાઇટ વગર દુર્ગમ વિસ્તારોમાં પણ સૈનિકોને સુરક્ષિત રીતે જોડવામાં મદદરૂપ સાબિત થશે.

ભારતીય સેનાના જવાનો જ્યારે દુર્ગમ અને અંતરિયાળ વિસ્તારોમાં તૈનાત હોય છે, ત્યારે સૌથી મોટો પડકારસંચાર વ્યવસ્થા (કોમ્યુનિકેશન) જાળવવાનો હોય છે. આ વિસ્તારોમાં કોઈ મોબાઇલ ટાવર કે સેટેલાઇટ કનેક્ટિવિટી ઉપલબ્ધ ન હોવાથી સૈનિકો માટે પરસ્પર સંપર્કમાં રહેવું મુશ્કેલ બને છે. આ જ ગંભીર સમસ્યાને ઉકેલવા માટે BITS પિલાનીના હૈદરાબાદ પરિસરના 20 વર્ષીય વિદ્યાર્થી સમર્થ આલોક શ્રીવાસ્તવે એક ક્રાંતિકારી ટેકનોલોજી વિકસાવવાની પહેલ કરી છે. અભ્યાસની સાથે ડ્રોન સ્ટાર્ટઅપમાં કામ કરવાનો તેમનો અનુભવ આ નવીન શોધ પાછળ મુખ્ય પ્રેરણા બન્યો હતો, જેનાથી પ્રેરણા લઈને તેમણે સેના માટે કંઈક ઉપયોગી બનાવવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો.

આ પડકારને પહોંચી વળવા સમર્થ આલોક શ્રીવાસ્તવે પોતાના સહપાઠી શ્રેષ્ઠ પ્રકાશ સિંહ, દર્શન ભંડારી અને સાનિકા રેવટકર સાથે મળીને એક ચુસ્ત ટીમ તૈયાર કરી અને 'ક્રેથવેલ પ્રાઇવેટ લિમિટેડ' નામે સ્ટાર્ટઅપ દ્વારા 'ક્રેથ કંટ્રોલ' (Krath Control) નામના અદભુત રેડિયો ડિવાઇસનું નિર્માણ કર્યું. માત્ર ૧૮૦ ગ્રામથી ઓછા વજન ધરાવતા આ હેન્ડી ડિવાઇસની ખાસિયત એ છે કે તે સ્માર્ટફોન સાથે કનેક્ટ થઈને આસપાસના અન્ય ઉપકરણોની મદદથી એક સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ 'મેશ નેટવર્ક' (Mesh Network) તૈયાર કરે છે. આ સિસ્ટમ દ્વારા સૈનિકો માત્ર અવાજ જ નહીં, પરંતુ જીવંત લોકેશન, સાથીઓની સ્થિતિ, ડિજિટલ મેપ અને જરૂરી ફાઇલો પણ સુરક્ષિત રીતે અંદરોઅંદર શેર કરી શકે છે.

દેશની રક્ષા ટેકનોલોજીને વધુ મજબૂત બનાવતી આ સ્વદેશી કોમ્યુનિકેશન સિસ્ટમનું મૂલ્યાંકન હાલમાં ભારતીય સેનાની બે યુનિટ્સ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને સેનાના ફિડબેક મુજબ તેમાં સતત સુધારા કરવામાં આવી રહ્યા છે. યુવા મસ્તિષ્કો દ્વારા વિકસાવવામાં આવેલી આ ટેકનોલોજી ભવિષ્યમાં યુદ્ધના મેદાનમાં કે સરહદના ઓપરેશન્સમાં સેનાના જવાનો માટે સંચાર ક્રાંતિ સાબિત થઈ શકે છે. વગર સિમે અને વગર નેટવર્કે કામ કરતી આ અનોખી ટેકનોલોજીએ માત્ર શૈક્ષણિક જગતમાં જ નહીં, પરંતુ રક્ષણ ક્ષેત્રે પણ ભારે આશ્ચર્ય અને પ્રશંસા મેળવી છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES