JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

નેશનલ હાઈવે ઓથોરિટી હવે AI દ્વારા પકડશે નંબર પ્લેટ છુપાવતા વાહનચાલકોને

નેશનલ હાઈવે ઓથોરિટી હવે AI દ્વારા પકડશે નંબર પ્લેટ છુપાવતા વાહનચાલકોને
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ટોલ ચોરી રોકવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત 'વેહિકલ ફિંગરપ્રિન્ટિંગ' તકનીક અપનાવી રહી છે. આ સિસ્ટમથી માત્ર ટોલ ચોરો જ નહીં, પરંતુ હિટ-એન્ડ-રન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા વાહનોને પણ સરળતાથી ટ્રેક કરી શકાશે.

દેશમાં હાઇવે પર ટોલ ટેક્સ ચૂકવવાથી બચવા માટે કેટલાક વાહનચાલકો દ્વારા ગાડીની નંબર પ્લેટ સાથે છેડછાડ કરવા કે તેને છુપાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આ સમસ્યાને ડામવા માટે NHAI દ્વારા હવે 'વેહિકલ ફિંગરપ્રિન્ટિંગ' નામની અત્યાધુનિક AI ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ તકનીક માત્ર નંબર પ્લેટ પર નિર્ભર રહેવાને બદલે વાહનની વિશિષ્ટ વિશેષતાઓ જેવી કે તેનો મેક, મોડેલ, કલર અને બોડી સ્ટ્રક્ચરના આધારે વાહનની ઓળખ કરે છે. હાઇવે પર લાગેલા કેમેરા અને ટોલ પ્લાઝાના સર્વેલન્સ સાથે આ સિસ્ટમને જોડવાથી વાહનની અવરજવર પર બારીકાઈથી નજર રાખી શકાશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ઝડપથી પકડી શકાશે.

નવા નિયમો અનુસાર, આ મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ હેઠળ FASTag અને કેમેરા દ્વારા વાહનોની નોંધણી કરવામાં આવે છે. જો કોઈ વાહનચાલક ટોલ ચૂકવવામાં નિષ્ફળ જાય અથવા ટેગમાં અપૂરતું બેલેન્સ હોય, તો સરકારી ડેટાબેઝ 'વાહન' (VAHAN) દ્વારા રજિસ્ટર્ડ માલિકને ઈ-નોટિસ મોકલવામાં આવે છે. નોટિસ મળ્યાના ૭૨ કલાકની અંદર ચૂકવણી કરવાથી માત્ર મૂળ રકમ જ ભરવાની રહે છે, પરંતુ જો સમયમર્યાદા ચૂકી જવાય તો દંડની રકમ બમણી થઈ જાય છે અને ૧૫ દિવસથી વધુ સમય વીત્યા બાદ FASTag બ્લેકલિસ્ટ થવા સાથે વાહન ટ્રાન્સફર કે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવામાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે.

જોકે, આ તકનીકી પ્રગતિની સાથે સાથે નિષ્ણાતોએ માનવીય ખરાઈ (હ્યુમન વેરિફિકેશન) અને ડેટા સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે, જેથી ગાડીઓની સમાન બનાવટને કારણે કોઈ નિર્દોષ વાહનચાલક દંડનો ભોગ ન બને. આ ટેકનોલોજી માત્ર ટોલની આવક વધારવા માટે જ નહીં, પરંતુ માર્ગ સુરક્ષાને વધુ સઘન બનાવવા અને અકસ્માતો અટકાવવામાં પણ અત્યંત ઉપયોગી સાબિત થશે. સરકારનો મુખ્ય હેતુ માત્ર અકસ્માત બાદ તપાસ કરવાનો નથી, પરંતુ સંભવિત જોખમો અગાઉથી પારખીને માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવાનો છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES