JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
મનોરંજન

અનુપમ ખેરની ફ્લાઇટનું મુંબઈમાં લેન્ડિંગ ટળ્યું, ઇંધણ ઘટતા સુરતમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ

અનુપમ ખેરની ફ્લાઇટનું મુંબઈમાં લેન્ડિંગ ટળ્યું, ઇંધણ ઘટતા સુરતમાં કરાયું ઇમરજન્સી લેન્ડિંગ
ગોવાથી મુંબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટને ઇંધણની તંગી અને એર ટ્રાફિકના કારણે સુરત ડાયવર્ટ કરવી પડી હતી. આ ડરામણા અનુભવ બાદ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર પોતાની આપવીતી શેર કરી મુંબઈ એરપોર્ટની વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે.

બોલિવૂડના જાણીતા અભિનેતા અનુપમ ખેર માટે સોમવારે હવાઈ મુસાફરીનો અનુભવ અત્યંત તણાવપૂર્ણ અને ડરામણો સાબિત થયો હતો. ગોવાથી મુંબઈ જઈ રહેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ (IX-2842) જ્યારે મુંબઈ એરપોર્ટ પર લેન્ડિંગ કરવાની તૈયારીમાં હતી, ત્યારે અચાનક જ વિમાન ફરીથી હવામાં ઊંચે ચાલ્યું ગયું હતું. મુંબઈ એરપોર્ટ પર ભારે હવાઈ ટ્રાફિક અને વિલંબના કારણે વિમાને લાંબો સમય હવામાં ચક્કર લગાવવા પડ્યા હતા, જેના કારણે તેમાં 'મિનિમમ ફ્યૂલ' એટલે કે ઇંધણ ઓછું હોવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પાયલટે ત્વરિત નિર્ણય લેતા એટીસી (ATC) ની મંજૂરી મેળવીને આ વિમાનને સુરત એરપોર્ટ તરફ ડાયવર્ટ કર્યું હતું.

કુલ 142 મુસાફરો સાથેનું આ વિમાન સુરત એરપોર્ટ પર બપોરે આશરે 3:31 વાગ્યે સુરક્ષિત રીતે ઉતરી ગયું હતું. સુરત એરપોર્ટ પર ડાયવર્ઝનની સૂચના મળતાની સાથે જ તમામ એજન્સીઓ અને સુરક્ષા વ્યવસ્થાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી. વિમાનના અચાનક ડાયવર્ટ થવાને કારણે અનુપમ ખેર સહિત તમામ મુસાફરોના શ્વાસ થોડીવાર માટે અદ્ધર થઈ ગયા હતા, પરંતુ કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના વગર વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરત એરપોર્ટ પર વિમાનમાં પૂરતું રિફ્યૂલિંગ કરવા ઉપરાંત જરૂરી ટેકનિકલ અને સેફ્ટી ચેકિંગની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી, અને ત્યારબાદ નવા એટીસી ક્લિયરન્સ સાથે આ ફ્લાઇટને મુંબઈ જવા માટે રવાના કરવામાં આવી હતી.

સમગ્ર ઘટના બાદ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર વીડિયો શેર કરતા અનુપમ ખેરે જણાવ્યું કે તેઓ એક નર્વસ ફ્લાયર છે અને છેલ્લા બે વર્ષમાં મુંબઈમાં લેન્ડિંગ વખતે તેમની સાથે આવું ચોથી વખત બન્યું છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ પાયલટ કે એરલાઇન્સ સામે કોઈ આક્ષેપ નથી કરી રહ્યા, પરંતુ મુંબઈ જેવા વ્યસ્ત એરપોર્ટ પર એર ટ્રાફિક મેનેજમેન્ટ અને સુવિધાઓને વધુ સુચારુ બનાવવાની તાતી જરૂર છે. જ્યારે વિમાન રનવેને સ્પર્શવાની તૈયારીમાં હોય અને અચાનક ફરી ઊંચે ચઢવા લાગે ત્યારે મુસાફરોમાં માનસિક તણાવ ફેલાઈ જતો હોય છે, તેથી સત્તાધીશોએ આ બાબતે ગંભીરતાથી વિચારીને યોગ્ય પગલાં લેવા જોઈએ તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી.

મનોરંજન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES