JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જામનગરમાં ૮ લાખની લાંચ લેનાર આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર બે દિવસના પોલીસ રિમાન્ડ પર

જામનગરમાં ૮ લાખની લાંચ લેનાર આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર બે દિવસના પોલીસ રિમાન્ડ પર
જામનગરમાં ઈન્કમટેક્સ રિટર્નના ઓડિટ બાબતે આઠ લાખ રૂપિયાની તોતિંગ લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસરને અદાલતે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. એસીબીની ટીમ દ્વારા આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર શહેરના રાજપાર્ક સામે આવેલા ત્રિ-મંદિર રોડ પર ગત રવિવારે બપોરના સમયે એસીબી (એન્ટી કરપ્શન બ્યુરો) ની ટીમે એક સફળ છટકું ગોઠવીને મોટી કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર (એએઓ) વિનસકુમાર અમરચંદ સાવરીયાને એક સ્થાનિક આસામી પાસેથી ખુલ્લેઆમ રૂા. ૮ લાખની માતબર રકમની લાંચ સ્વીકારતી વેળાએ જ ઝડપી લેવામાં આવ્યા હતા. ભ્રષ્ટાચાર વિરોધી આ સફળ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમગ્ર પ્રકરણની વિગતવાર વાત કરીએ તો, પકડાયેલા અધિકારીએ એક આસામી દ્વારા અગાઉ ભરવામાં આવેલા ઈન્કમટેક્સ રિટર્નના એસેસમેન્ટને લગતા ઓડિટને ફરીથી ન ખોલવા અને તેને સબ સલામત પાર ઉતારવાના બદલામાં આ લાંચની માગણી કરી હતી. એસીબીના સકંજામાં ફસાયા બાદ આરોપી અધિકારીને ગતરોજ કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ ડી.એ. જીવરાજાણી દ્વારા રજૂ કરાયેલી ધારદાર દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માનનીય અદાલતે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

લાંચ પ્રકરણ બહાર આવ્યા બાદ એસીબીની ટીમો સક્રિય બની છે અને તપાસનો વ્યાપ વધાર્યો છે. કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે આરોપી અધિકારીના અમદાવાદ ખાતે આવેલા નિવાસસ્થાને પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જો કે ત્યાંથી હાલ કોઈ શંકાસ્પદ કે વાંધાજનક સાહિત્ય કે ચીજવસ્તુ સાંપડી નથી. રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા આ ભ્રષ્ટાચારના નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ અને અગાઉ પણ આ અધિકારીએ કૌભાંડ આચર્યું છે કે નહીં તે દિશામાં સઘન પૂછપરછ અને તપાસ ચલાવવામાં આવી રહી છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES