પુણેના જાણીતા હિન્જેવાડી આઈટી પાર્ક વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં વિપ્રો કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતી કોમલ ડહાલે નામના યુવતીની તેના જ બોયફ્રેન્ડ શુભમ દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. પોલીસ તપાસ અનુસાર, આ કરુણ ઘટના સોમવારે વહેલી સવારે આશરે ૩:૦૦ વાગ્યાની આસપાસ બની હતી. કોમલ દ્વારા અન્ય યુવતી સાથેના સંબંધોની શંકા વ્યક્ત કરવાને કારણે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આવેશમાં આવીને આરોપી શુભમે કોમલના માથા અને ગળાના ભાગે બેરહેમીથી લાતો અને મુક્કા મારીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ ભયાનક હત્યાકાંડ બાદ આરોપી શુભમે જે માનસિક વિકૃતિ બતાવી તેણે સૌને હચમચાવી દીધા છે. કોમલનું મૃત્યુ થયા બાદ આરોપી આખી રાત મૃતદેહની બાજુમાં જ બેસી રહ્યો હતો અને બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશને જઈને પોતાની જાતે આ ગુનાની કબૂલાત કરી હતી. બીજી તરફ, મૃતક કોમલના પરિવારે પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પરિવારજનોનું સ્પષ્ટપણે કહેવું છે કે તેઓ શુભમ નામના આ યુવકને ઓળખતા પણ ન હતા અને કોમલના લગ્ન કે પ્રેમસંબંધ અંગે તેમને અગાઉથી કોઈ જ જાણકારી નહોતી. તેમણે પુત્રીના અકાળે થયેલા મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરી આરોપી માટે ફાસ્ટ ટ્રાક કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
આ સમગ્ર પ્રકરણમાં પરિવારે મહિલાઓની સુરક્ષા અને પીજી સંચાલકોની ગંભીર બેદરકારી સામે મોટા સવાલો ઉઠાવ્યા છે. મૃતકના સંબંધી અક્ષય ઇંગોલેએ સવાલ કર્યો છે કે રાત્રે ૧:૦૦ વાગ્યે એક મહિલા પીજીની અંદર કોઈ યુવક કેવી રીતે પ્રવેશ કરી શકે? તે પીજીમાં ૧૦૦ કરતાં વધુ યુવતીઓ રહેતી હોવા છતાં કોઈને પણ કોમલની ચીસો કેમ ન સંભળાઈ? પરિવારે પીજીના સીસીટીવી ફુટેજની તપાસ કરવાની માંગ કરી છે અને પીજીના માલિક સામે પણ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે જેથી ભવિષ્યમાં કોઈ અન્ય યુવતી આ પ્રકારની ક્રૂરતાનો ભોગ ન બને.
