JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

ઓફિસ કે પબ્લિક કોમ્પ્યુટર પર વ્હોટ્સએપ વેબ વાપરવું જોખમી, સરકારની લાલબત્તી

ઓફિસ કે પબ્લિક કોમ્પ્યુટર પર વ્હોટ્સએપ વેબ વાપરવું જોખમી, સરકારની લાલબત્તી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઈમ વિભાગે જાહેર કર્યું છે કે પબ્લિક કોમ્પ્યુટરમાં વ્હોટ્સએપ વેબ ખુલ્લું રાખવાથી એકાઉન્ટ હેક થઈ શકે છે. સાયબર ગુનેગારો ખાનગી ચેટનો દુરુપયોગ કરી નાણાકીય ફ્રોડ આચરી શકે છે તેવી ગંભીર ચેતવણી અપાઈ છે.

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ અને ડેસ્કટોપ પર વ્હોટ્સએપ વેબનો ઉપયોગ સામાન્ય બની ગયો છે, પરંતુ આ સગવડ હવે વપરાશકર્તાઓ માટે મોંઘી સાબિત થઈ શકે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્યરત ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) ના નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે તાજેતરમાં એક અત્યંત મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. આ ચેતવણી મુજબ, જો કોઈ વ્યક્તિ ઓફિસ, સાયબર કાફે કે અન્ય પબ્લિક કોમ્પ્યુટર પર વ્હોટ્સએપ વેબ લોગ-ઈન કર્યા પછી તેને એમને એમ છોડી દે છે, તો તે ગંભીર સુરક્ષા જોખમને આમંત્રણ આપે છે. આવા સક્રિય સેશનનો લાભ લઈને સાયબર ઠગ યુઝર્સની અંગત માહિતી, કોન્ટેક્ટ્સ અને ખાનગી ચેટ સરળતાથી ચોરી શકે છે.

ઘણા વપરાશકર્તાઓમાં એવી ગેરસમજ પ્રચલિત હોય છે કે માત્ર બ્રાઉઝરની વિન્ડો કે ટેબ બંધ કરી દેવાથી વ્હોટ્સએપ વેબ લોગ-આઉટ થઈ જાય છે, પરંતુ I4C એ સ્પષ્ટ કર્યું છે કે આ માત્ર એક ભ્રમણા છે. ટેબ બંધ કરવા છતાં બેકગ્રાઉન્ડમાં સેશન એક્ટિવ રહી શકે છે, જેના કારણે અનધિકૃત વ્યક્તિઓ તમારા એકાઉન્ટ પર સીધો કાબૂ મેળવી શકે છે. હેકર્સ તમારા નામે પરિવારજનો કે મિત્રોને મેસેજ મોકલીને નાણાકીય ફ્રોડ, ફિશિંગ લિંક મોકલવી કે અન્ય સ્કેમ્સને અંજામ આપી શકે છે. તેથી, કોઈપણ શેર કરેલી કે સાર્વજનિક સિસ્ટમ પર કામ પૂરું થયા બાદ મેન્યુઅલી લોગ-આઉટ કરવું અનિવાર્ય છે.

આ ગંભીર જોખમોથી બચવા માટે સાયબર સુરક્ષા નિષ્ણાતોએ કેટલીક સાવચેતીના પગલાં લેવાની સલાહ આપી છે. સાયબર કાફે, હોટલના બિઝનેસ સેન્ટર કે ઉધાર લીધેલા ઉપકરણો પર વ્હોટ્સએપ વેબ વાપરવાનું સદંતર ટાળવું જોઈએ અને જો અનિવાર્ય સંજોગોમાં ઉપયોગ કરવો જ પડે, તો હંમેશાં ઈન્કોગ્નિટો કે પ્રાઈવેટ મોડનો જ ઉપયોગ કરવો હિતાવહ છે. આ ઉપરાંત, કોમ્પ્યુટર પર કોઈ સંવેદનશીલ, નાણાકીય કે સરકારી દસ્તાવેજો તથા ગુપ્ત માહિતી શેર કરવાનું સદંતર ટાળવું જોઈએ. ઉપકરણોનું ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યુરિટી સોફ્ટવેર હંમેશાં અપડેટ રાખવા સાથે શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવી ખૂબ જરૂરી છે.

ટેકનોલોજી વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES