ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૭ના બદલે ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડની સાથે આઠ મહિના વહેલી એટલે કે માર્ચ ૨૦૨૭ પહેલા યોજાવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ રાજ્ય સરકાર અને સંગઠન પૂરતી સક્રિયતા સાથે કામે લાગી ગયા છે. આગામી ઉનાળામાં પાણીની અછત અને મોંઘવારીના મુદ્દે જનતાની નારાજગી સરકાર વિરોધી માહોલમાં પરિવર્તિત ન થાય, તે માટે શાસક પક્ષ અત્યારથી જ ડેમેજ કંટ્રોલની રણનીતિ પર કામ કરી રહ્યો છે. મુખ્યમંત્રીની આદિવાસી વિસ્તારોની યાત્રા અને નેતાઓના સતત પ્રવાસો આ જ દિશામાં અંગૂલીનિર્દેશ કરી રહ્યા છે.
તાજેતરમાં રાજ્યની તમામ ૧૮૨ બેઠકો પર યોજાયેલા ભાજપના સ્નેહમિલન કાર્યક્રમો માત્ર નવા વર્ષની શુભેચ્છાઓ પૂરતા મર્યાદિત ન રહેતા આગામી ચૂંટણી માટેનું શક્તિ પ્રદર્શન સાબિત થયા હતા. વર્ચ્યુઅલી જોડાયેલા વડાપ્રધાન મોદીએ ૨૫ વર્ષની સફળતાનો શ્રેય કાર્યકરોને આપીને સંગઠનને સતત સક્રિય રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. જોકે, આ કાર્યક્રમોમાં વિવિધ ધારાસભ્યો અને નેતાઓના આક્રમક સૂર અને નિવેદનો ખાસ્સા ચર્ચાસ્પદ બન્યા હતા. સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યકરોને જનસેવા અને નમ્રતાનો પાઠ ભણાવ્યો હતો, તો ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટ્ટાએ રેતી ચોરોને રક્ષણ આપવા અને ટિકિટ ફાળવણી અંગે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકીને રાજકીય માહોલ ગરમાવ્યો હતો.
આ ઉપરાંત, ભાવનગરના ધારાસભ્ય પરશોત્તમ સોલંકીએ પોતાની પ્રામાણિકતા અને વિરોધીઓ સામે આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે હુંકાર ભરીને ભ્રષ્ટ કર્મચારીઓને ખુલ્લી ચેતવણી આપી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની જીભ લપસવાથી સર્જાયેલા વિવાદ પર કોંગ્રેસે પણ કટાક્ષ કર્યો છે. આ તમામ ઘટનાઓ અને નેતાઓના તેવર સ્પષ્ટ કરે છે કે ભાજપે વહેલી ચૂંટણીની અટકળો વચ્ચે પોતાની આંતરિક તૈયારીઓ અને લોકસંપર્ક અભિયાન અત્યારથી જ પૂરજોશમાં શરૂ કરી દીધું છે.
