ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન રેન્જીસ વિસ્તારમાં ૨૦૦૬માં સર્જાયેલા એક વિનાશક દાવાનળમાં જાનિન ડફી નામના પ્રકૃતિ પ્રેમીએ તેમણે વર્ષોથી સંભાળેલા ૩૦માંથી ૨૭ કોઆલા ગુમાવ્યા હતા. આ હૃદયદ્રાવક દુર્ઘટનાએ તેમના જીવનની દિશા બદલી નાખી અને તેમણે વન્યજીવોના માત્ર નિરીક્ષણથી આગળ વધીને તેમના કુદરતી આવાસને પુનઃજીવિત કરવાનું મોટું બીડું ઝડપ્યું. શરૂઆતના દિવસોમાં કઠોર અને પથ્થરવાળી જમીનમાં વૃક્ષો રોપવા ખૂબ મુશ્કેલ હતા અને સ્વયંસેવકોની મદદથી શરૂ થયેલ આ સફરમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પરંતુ, સમયની સાથે તેમની સંસ્થા 'કોઆલા ક્લેન્સી ફાઉન્ડેશન' દ્વારા આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી અને ૨૦૩૦ સુધીમાં ૩ લાખ વૃક્ષો રોપવાના મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે આ અભિયાનને વ્યાપક સ્વરૂપ આપવામાં આવ્યું.
આ લાંબા સંઘર્ષનું પરિણામ હવે જમીન પર સકારાત્મક બદલાવ રૂપે દેખાઈ રહ્યું છે, જ્યાં તાજેતરમાં જ્યોર્જિયા નજીક સ્ટોનહેવન ખાતે સ્વયંસેવકો દ્વારા ફાઉન્ડેશનનું બે લાખમું કોઆલા વૃક્ષ રોપવામાં આવ્યું છે. આ સંસ્થા હવે માત્ર એક જ પ્રકારના વૃક્ષો રોપવાને બદલે અંદાજે ૪૦ જેટલી વિવિધ પ્રજાતિના છોડ રોપી રહી છે, જેમાં યુકેલિપ્ટસના વૃક્ષો કોઆલાના ખોરાક માટે અને અન્ય છોડ જમીનની ફળદ્રુપતા તથા જૈવ વિવિધતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આ સઘન પ્રયાસોના પરિણામે ફાઉન્ડેશનનો વાર્ષિક વૃક્ષારોપણનો દર વર્ષ ૨૦૨૦ના ૯,૦૦૦થી વધીને આજે ૩૦,૦૦થી પણ વધુ પહોંચી ગયો છે, અને તેઓ નિર્ધારિત સમય કરતા વહેલા એટલે કે ૨૦૨૯ સુધીમાં પોતાનું લક્ષ્ય પૂરું કરી લેશે તેવી આશા છે.
વૃક્ષારોપણ અને આવાસ પુનઃસંગ્રહના આ સકારાત્મક પ્રયાસોથી વન્યજીવ સૃષ્ટિમાં પણ ચમત્કારીક પરિણામો જોવા મળી રહ્યા છે. વિક્ટોરિયાની મોરાબુલ નદી કિનારે ફાઉન્ડેશન અને આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈએફએડબલ્યુ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટમાં વૃક્ષો રોપ્યા બાદ માત્ર બે વર્ષની અંદર જ કોઆલાના અવાજો અને તેમની ગતિવિધિઓમાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. આ ક્ષેત્રમાં સંશોધકોને સંવનન કરતી કોઆલાની જોડી પણ જોવા મળી છે, જે સાબિત કરે છે કે યોગ્ય આવાસ અને વનસ્પતિ મળવાથી લુપ્ત થતી વન્યજીવ સૃષ્ટિ ફરીથી ધમધમવા લાગે છે. જાનિન ડફી અને તેમની ટીમ હવે આ નવસર્જિત જંગલોને આગામી સમયમાં દાવાનળ અને આબોહવાકીય ફેરફારો સામે રક્ષણ આપીને વધુ મજબૂત બનાવવાની દિશામાં કામ કરી રહી છે.
