મધ્ય પ્રદેશના પવિત્ર ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે પરંપરાગત રીતે ભરાતા વાર્ષિક ડોન્કી મેળામાં આ વર્ષે એક અનોખો જ માહોલ જોવા મળ્યો હતો, જ્યાં બોલીવુડ અભિનેતા ચંકી પાંડેના નામ પરથી નામકરણ પામેલો એક ગધેડો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ મેળામાં મધ્ય પ્રદેશ ઉપરાંત છત્તીસગઢ, પંજાબ અને રાજસ્થાન જેવાં વિવિધ રાજ્યોમાંથી અંદાજે ૨૫૦ જેટલા ગધેડા અને ખચ્ચર વેચાણ માટે આવ્યા હતા. આ તમામ પશુઓમાં ચંકી પાંડે નામનો આ ગધેડો સૌથી મોંઘો સાબિત થયો હતો અને રૂા. ૭૨,૦૦૦ ની મસમોટી કિંમતમાં વેચાઈને મેળાનો ઓલ-ટાઈમ સ્ટાર બની ગયો હતો.
આ મેળામાં વેપારીઓ દ્વારા ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અવનવી યુક્તિઓ અપનાવવામાં આવે છે, જેમાં ગધેડાઓનાં નામ બોલીવુડના દિગ્ગજ કલાકારોના નામ પર રાખવાની અનોખી પરંપરા જોવા મળે છે. આ મેળામાં શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તી જેવા નામાંકિત સેલેબ્સના નામ ધરાવતા ગધેડાઓ પણ ઉપસ્થિત હતા, પરંતુ લોકપ્રિયતા અને સુંદરતાના જોરે ચંકી પાંડે નામના ગધેડાએ વેચાણમાં બાજી મારી લીધી હતી અને તેને અન્ય ગધેડાઓ કરતાં ઘણી ઊંચી કિંમત પ્રાપ્ત થઈ હતી.
જ્યારે આ રસપ્રદ ઘટના વિશે અસલી બોલીવુડ અભિનેતા ચંકી પાંડેનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આશ્ચર્ય પામવાને બદલે ખૂબ જ ખેલદિલીથી પ્રતિક્રિયા આપી હતી. તેમણે હસતાં-હસતાં જણાવ્યું હતું કે આ તેમના માટે કોઈ અપમાન નહીં પરંતુ ગર્વ અને સન્માનની વાત છે, અને તેમના મિત્રો પણ આ સમાચારની ક્લિપ સોશિયલ મીડિયા પર સતત ફોર્વર્ડ કરી રહ્યા છે. સેલેબ્સના નામે ગધેડાના વેચાણની આ અનોખી વાર્તા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેમાં ભારે રસ દાખવી રહ્યા છે.
