ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ગુજરાતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદ લાવે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. પરિણામે હવે રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત બની છે અને નાગરિકોએ આકરી ગરમીનો સામનો કરવો પડશે. રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમથી ઉત્તર તરફની થઈ રહી છે, જેના કારણે દિવસ દરમિયાન ઉકળાટ અને તાપ વધશે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ માટે આગામી સપ્તાહમાં કોઈ ચેતવણી જાહેર કરી નથી. નોંધનીય છે કે, ચાલુ વર્ષે રાજ્યમાં સરેરાશ ૧૧ ટકા અને સૌરાષ્ટ્ર-કચ્છ પંથકમાં ૨૪ ટકા જેટલી વરસાદની ઘટ નોંધાઈ છે. બીજી તરફ, વૈશ્વિક સ્તરે અલ નીનો મજબૂત બની રહ્યો હોવાથી તેની સીધી અસર ઓક્ટોબર મહિનાના તાપમાન પર જોવા મળશે. સામાન્ય રીતે ચોમાસા બાદ અનુભવાતી ગુલાબી ઠંડક માટે હજુ રાહ જોવી પડશે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, અલ નીનોની અસરે કારણે ઓક્ટોબરના પ્રારંભિક દિવસોમાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહેશે અને લોકોને બફારાનો સામનો કરવો પડશે.
