ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયા ‘એ’ અને ભારત ‘એ’ વચ્ચે પુડુચેરીના મેદાન પર રમાઈ રહેલી પ્રથમ એકદિવસીય મેચ દરમિયાન મેદાન પર એક મોટી દુર્ઘટના બનતા ટળી હતી. મુકાબલાની શરૂઆતમાં જ એક કેચ ઝડપવાની લ્હાયમાં વિકેટકીપર પ્રભસિમરન સિંહ અને યુવા ફિલ્ડર નિશાંત સિંધુ એકબીજા સાથે જોરદાર રીતે અથડાયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને ખેલાડીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ શક્યા હોત, પરંતુ સદનસીબે બંને ખેલાડીઓનો આબાદ બચાવ થયો હતો અને કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. મેદાન પર બનેલી આ અણધારી ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સની પ્રથમ વિકેટ વખતે બની હતી. ભારતીય ઝડપી બોલર યશ ઠાકુરે ફેંકેલા શોર્ટ અને ઓફ-સ્ટમ્પ બહારના બોલ પર કાંગારુ ઓપનર મિશેલ ઓવેને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ બેટની ઉપરની કિનારી સાથે અથડાઈને હવામાં ઊંચે ચડ્યો હતો. આ કેચ ઝડપવા માટે વિકેટકીપર પ્રભસિમરન સિંહ પાછળથી દોડ્યો, જ્યારે પોઇન્ટ પર તૈનાત નિશાંત સિંધુ પણ બોલ તરફ ધસી આવ્યો હતો. મેદાન પર પરસ્પર તાલમેલના અભાવે બંનેમાંથી કોઈએ અવાજ આપીને સાવચેત કર્યા નહીં અને સીધા એકબીજા સાથે અથડાયા હતા. આ ભયાનક ટક્કર છતાં પ્રભસિમરને કેચ પકડી રાખ્યો હતો, પરંતુ આ ગંભીર બેદરકારી બાદ નિશાંત સિંધુ મેદાન પર અત્યંત નારાજ અને ગુસ્સામાં જોવા મળ્યો હતો.
મેદાન પર સર્જાયેલા આ હાઈ-વોલ્ટેજ ડ્રામા છતાં ભારતીય બોલરોએ મેચ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ભારતીય આક્રમણ સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો શરૂઆતથી જ સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. યશ ઠાકુર અને અરશદ ખાનની જોડીએ ઘાતક બોલિંગનું પ્રદર્શન કરીને કાંગારુ ટીમના ટોપ ઓર્ડરને શરૂઆતમાં જ મોટો આંચકો આપ્યો હતો. પાવરપ્લે બાદ નિશાંત સિંધુ અને સૂર્યાંશ શેડગેએ પણ ચુસ્ત બોલિંગ કરી મહત્વની વિકેટો ઝડપી હતી. શાનદાર બોલિંગ પ્રદર્શનના પરિણામે ભારતીય ટીમે કાંગારુ ટીમને દબાણમાં લાવી દીધી હતી અને વિરોધી ટીમની અડધી ટીમ માત્ર ૮૭ રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
