ભારતીય નૌકાદળની સ્વદેશી નિર્મિત ગાઇડેડ-મિસાઇલ સ્ટેલ્થ ફ્રિગેટ 'આઈએનએસ સહ્યાદ્રી' અને જાપાન મેરીટાઇમ સેલ્ફ-ડિફેન્સ ફોર્સ (JMSDF) ના જહાજ 'જેએસ આઈઝે' દ્વારા તાજેતરમાં 13 થી 14 નવેમ્બર દરમિયાન દ્વિપક્ષીય ભારત-જાપાન દરિયાઈ અભ્યાસ 'JAIMEX26' માં ઉત્સાહભેર સહભાગિતા નોંધાવવામાં આવી હતી. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશોના નૌકાદળો વચ્ચે પરસ્પર દરિયાઈ સહકારને વેગ આપવાનો તેમજ ઓપરેશનલ સમન્વયને વધુ મજબૂત કરવાનો હતો. હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષાના સંદર્ભમાં આ સૈન્ય અભ્યાસ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, જેણે બંને મિત્ર દેશોની રક્ષા ક્ષમતાઓને નવી ઊંચાઈઓ આપી છે.
આ સંયુક્ત અભ્યાસ દરમિયાન બંને નૌકાદળોના યુદ્ધજહાજો દ્વારા દરિયામાં અત્યંત ચોકસાઈપૂર્વક જટિલ દાવપેચ, કમ્યુનિકેશન ડ્રીલ્સ અને ક્રોસ-ડેક લેન્ડિંગ જેવી આધુનિક સૈન્ય પ્રવૃત્તિઓનું કુશળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જાપાનના નૌકાદળે પણ આ અભ્યાસના સકારાત્મક પરિણામોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ જોડાણથી ભારતીય નૌકાદળ સાથેની તેમની ટેક્ટિકલ ક્ષમતાઓ અને તાલીમનો સ્તર વધુ ઊંચો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ અભ્યાસ પહેલા 'આઈએનએસ સહ્યાદ્રી' એ જાપાનના યોકોસુકા નેવલ બેઝ ખાતે યોજાયેલા બહુરાષ્ટ્રીય અભ્યાસ 'મલબાર ૨૦૨૬' માં પણ ભાગ લીધો હતો, જેમાં ભારત અને જાપાન ઉપરાંત અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની નૌકાદળોએ પણ પોતાની યુદ્ધ કૌશલ્યનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મલબાર અભ્યાસના હાર્બર ફેઝ અને સી ફેઝ દરમિયાન સબમરીન વિરોધી યુદ્ધાભ્યાસ (Anti-Submarine Warfare), વીબીએસએસ ડ્રીલ્સ, ગનરી અભ્યાસ અને દરિયાઈ આંતરનિષેધ કામગીરી જેવી અનેકવિધ ઓપરેશનલ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. સાંસ્કૃતિક આદાનપ્રદાન અને રમતગમતના કાર્યક્રમોએ સૈનિકો વચ્ચે પરસ્પર સંબંધો અને ભાઈચારો વધારવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની 'મહાસાગર' (MAHASAGAR) ની વિભાવના સાથે સુસંગત રહીને, આ પ્રકારના સફળ સંયુક્ત અભ્યાસો ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સામૂહિક સુરક્ષા અને શાંતિ માટેની કટિબદ્ધતાને વધુ દ્રઢ કરે છે.
