ટેક જાયન્ટ માઈક્રોસોફ્ટ દ્વારા વૈશ્વિક સ્તરે અંદાજે ૬૦,૦૦૦ કર્મચારીઓ માટે 'વૉલેન્ટરી એક્ઝિટ ઓફર' (VEO) ની જાહેરાત કરવામાં આવ્યા બાદ કંપનીના સીઈઓ સત્યા નડેલાએ આ મોટા નિર્ણય પર સ્પષ્ટતા કરી છે. કંપનીના કુલ વૈશ્વિક કર્મચારી વર્ગના એક ચોથા ભાગ કરતાં વધુ લોકોને અસર કરતી આ યોજના અંગે વાત કરતા નડેલાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભવિષ્યમાં ટીમનું કદ અને દૈનિક કાર્યપ્રવાહ નોંધપાત્ર રીતે બદલાવાના છે. તેમણે સ્વીકાર્યું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના પ્રસાર સાથે તકનીકો બદલાઈ રહી છે અને કંપની ભવિષ્યની તકોને ધ્યાનમાં રાખીને પોતાની ટીમોની રચનાને નવેસરથી આકાર આપી રહી છે, જેનો હેતુ કર્મચારીઓ અને કંપની બંનેને લાંબા ગાળે સક્ષમ બનાવવાનો છે.
આ સ્વૈચ્છિક બાયઆઉટ સ્કીમનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને તેમની કારકિર્દી પર વધુ નિયંત્રણ આપવાનો છે, ખાસ કરીને એવા વિભાગોમાં જ્યાં પરિવર્તનની ગતિ ઘણી ધીમી રહી છે. એક પોડકાસ્ટમાં વાતચીત દરમિયાન નડેલાએ જણાવ્યું કે તેઓ નથી ઇચ્છતા કે કોઈ કર્મચારી એવા વિભાગમાં ફસાયેલો રહે જે સમયની સાથે પરિવર્તન સ્વીકારી નથી રહ્યો. જોકે, તેમણે કર્મચારીઓને પહેલા માઈક્રોસોફ્ટની અંદર જ અન્ય વિભાગોમાં આંતરિક બદલી માટે પ્રયાસ કરવા પ્રોત્સાહિત કર્યા હતા, પરંતુ જેઓ પોતાની વ્યાવસાયિક સ્થિતિથી અસંતુષ્ટ છે તેઓ આ નાણાકીય સહાય અને કેરિયર સપોર્ટ સાથે સન્માનજનક રીતે વિદાય લઈ શકે છે. આ ઓફર ખાસ કરીને સ્તર ૭૦ અને તેનાથી નીચેના પાત્ર કર્મચારીઓ માટે છે, જેમાં સામાન્ય સંચાલકોથી લઈને કેટલાક વાઇસ પ્રેસિડેન્ટ સુધીના પદોનો સમાવેશ થાય છે.
આ યોજના હેઠળ અમેરિકા, કેનેડા, યુકે અને ભારતના પાત્ર કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા છે, જેમાં વય કે નોકરીના વર્ષોની કોઈ લઘુત્તમ મર્યાદા રાખવામાં આવી નથી તેમજ કામગીરીનું પ્રદર્શન પણ તેમાં નિર્ણાયક નથી. આ પેકેજ હેઠળ સ્ટાફને સ્ટાન્ડર્ડ સેવરન્સ પે, સ્ટૉક વેસ્ટિંગ અને હેલ્થકેર કવરેજ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને કર્મચારીઓએ ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં આ અંગે નિર્ણય લેવાનો રહેશે. છેલ્લા બે વર્ષમાં કંપની દ્વારા કરવામાં આવેલી છટણીઓ અને અગાઉના રિટાયરમેન્ટ બાયઆઉટ કાર્યક્રમો પછી માઈક્રોસોફ્ટનું આ બીજું મોટું પગલું છે, જે બદલાતા ટેકનોલોજીકલ વાતાવરણમાં કંપનીની દીર્ઘકાલીન વ્યુહરચના દર્શાવે છે.
