વૈશ્વિક સ્તરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર્સના વિસ્તરણની સાથે સ્થાનિક સ્તરે તેનો વિરોધ પણ વધી રહ્યો છે. ઉર્જા અને પાણીના વપરાશ જેવા ગંભીર મુદ્દાઓ પર નાગરિકો તથા નીતિનિર્માતાઓ તરફથી સવાલો ઉઠી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે ઓરેકલના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) માઈક સિસિલીયાએ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સના પ્રચાર અને પ્રસાર માટે ટેકનોલોજી કંપનીઓની કામ કરવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવ્યા છે. ડેટ્રોઈટ ખાતે યોજાયેલી ફોર્ચ્યુન 500 ઈનોવેશન ફોરમમાં બોલતાં તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક સ્તરે મંજૂરી મેળવવી એ હવે અદ્યતન એઆઈ ચિપ્સ કે પાવર સપ્લાય જેટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે.
ટેક કંપનીઓ દ્વારા મુખ્યાલયમાંથી મોટા અધિકારીઓને મોકલીને પ્રોજેક્ટ્સના વખાણ કરાવવાની નીતિને સિસિલીયાએ 'ક્લાસિક ભૂલ' ગણાવી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હેડક્વાર્ટરથી આવીને એમ કહેવું કે 'હું મુખ્યાલયમાંથી આવ્યો છું અને તમારી મદદ કરવા આવ્યો છું' તેનાથી ક્યારેય લોકોના દિલ અને દિમાગ જીતી શકાતા નથી. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે બેન્કિંગ સેક્ટરનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે જેમ કમ્યુનિટી બેન્કિંગમાં સ્થાનિક પ્રાદેશિક નેતાઓ લોન સંબંધી નિર્ણયો લે છે, તેવી જ રીતે ટેક કંપનીઓએ પણ સ્થાનિક પ્રતિનિધિઓને સશક્ત કરવા જોઈએ અને જે વિસ્તારમાં પ્રોજેક્ટ હોય ત્યાંના જ સ્થાનિક લોકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવી જોઈએ.
સમુદાયોનો વિશ્વાસ જીતવા માટે એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વાસ્તવિક સામાજિક ફાયદાઓ દર્શાવવા અત્યંત જરૂરી છે તેમ સિસિલીયાએ ઉમેર્યું હતું. આ દિશામાં આરોગ્ય ક્ષેત્ર સૌથી મોટું ઉદાહરણ સાબિત થઈ શકે છે, કારણ કે એઆઈ આધારિત તબીબી સંશોધનો અને સફળતાઓથી લોકો સ્પષ્ટપણે આ ટેકનોલોજીનું સકારાત્મક પરિણામ જોઈ શકે છે. ફાર્માસ્યુટિક્સ ક્ષેત્રે અગાઉ અશક્ય જણાતી સમસ્યાઓનો ઉકેલ એઆઈ દ્વારા ઝડપથી આવી રહ્યો છે. જો ટેક કંપનીઓ સ્થાનિક સંબંધો મજબૂત કરશે અને જમીની હકીકતો સાથેનો અભિગમ અપનાવશે તો જ ભવિષ્યના વિશાળ ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સને લોકો સ્વીકારશે.
