ઇતિહાસ અને પુરાતત્વની દુનિયામાં ક્યારેક અદ્ભુત સંયોગો સર્જાતા હોય છે, જેનો ત તાજું ઉદાહરણ ક્રોએશિયાના ડિક્મો નામના નાના વિસ્તારમાં જોવા મળ્યું છે. અહીં બોઝો કોકાન નામના એક નિવૃત્ત આર્કિટેક્ટે તેમની પારિવારિક જમીન પરથી લગભગ ૫૦ વર્ષ સુધી જુદા-જુદા કોતરેલા પથ્થરો સાવચેતીપૂર્વક એકઠા કર્યા હતા. તેઓ સામાન્ય બાંધકામ સામગ્રી કે પથ્થરોના ટુકડા જેવા લાગતા આ અવશેષોને ભૂતકાળના અંશ ગણીને જતન કરી રહ્યા હતા. પરંતુ તેમને ખ્યાલ નહોતો કે તેમની આ જિજ્ઞાસા અને જતન કરવાની વૃત્તિ ભવિષ્યમાં વૈશ્વિક સ્તરની એક મોટી ઇતિહાસની શોધ સાબિત થશે.
આ એકત્રિત કરાયેલા પથ્થરો પર ઝીણવટભરી સંશોધન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ ક્રોએશિયાની રાષ્ટ્રીય બ્રોડકાસ્ટર એચઆરટીના અહેવાલ મુજબ, તે વ્રાટનિકા પુરાતત્વ સ્થળ પર આવેલી રોમન વિજય કમાનના અવશેષો હોવાનું સામે આવ્યું. ઝડાડ યુનિવર્સિટીના પ્રોફેસર ડ્રાઝેન માર્સિકના નેતૃત્વમાં હાથ ધરાયેલી વ્યવસ્થિત ઉત્ખનન કામગીરી દરમિયાન રોમન સામ્રાજ્યના પ્રતીક સમાન સમ્રાટ ગરૂડ (ઇમ્પીરિયલ ઈગલ), વિજયની રોમન દેવી વિક્ટોરિયાની પ્રતિમાઓ અને સુંદર કોતરણીવાળા સ્તંભો મળી આવ્યા હતા. આ પુરાવાઓ સાબિત કરે છે કે આ ભવ્ય કમાન માત્ર પ્રવેશદ્વાર નહોતી, પરંતુ સમ્રાટ ટ્રાજનના શાસનકાળ દરમિયાન રોમન સત્તા અને પ્રભાવનું પ્રતીક હતી જે બીજી સદીની શરૂઆત એટલે કે આજથી આશરે ૧૯૦૦ વર્ષ જૂની છે.
આ શોધ માત્ર એક કમાન પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સંશોધકોને આ સ્મારકથી આશરે ૧૦૦ મીટર દૂરના અંતરેથી પોટરી, છતનાં નળિયાં અને સમ્રાટ ડાયોક્લેશિયનના સમયનો સિક્કો પણ મળી આવ્યો છે, જે દર્શાવે છે કે આ સમગ્ર વિસ્તારમાં ભૂતકાળમાં એક મોટો રોમન સંકુલ કે વસાહત અસ્તિત્વ ધરાવતી હતી. પુરાતત્વશાસ્ત્રીઓ નિકોલા સેસારિક અને ડ્રાઝેન માર્સિક દ્વારા આ અંગેનો એક સંશોધન પત્ર પણ પ્રકાશિત કરવામાં આવ્યો છે જેમાં ૧૦૦૦થી વધુ પથ્થરના ટુકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. એક સામાન્ય નાગરિકની વર્ષોની મહેનત અને ઐતિહાસિક વસ્તુઓ સાચવવાની લગનને કારણે રોમન ઇતિહાસનું એક ખોવાયેલું પ્રકરણ ફરીથી જીવંત થઈને દુનિયા સામે આવ્યું છે.
