JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

જેફરી એપસ્ટીનનું મૃત્યુ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી: જાણીતા ફોરેન્સિક નિષ્ણાતનો દાવો

જેફરી એપસ્ટીનનું મૃત્યુ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હતી: જાણીતા ફોરેન્સિક નિષ્ણાતનો દાવો
કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટીનના પોસ્ટમોર્ટમ રેકોર્ડના અભ્યાસ બાદ પ્રખ્યાત ફોરેન્સિક તબીબે દાવો કર્યો છે કે જેલની અંદર તેની ગળું દબાવીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૯માં ન્યૂયોર્કની જેલમાંથી મૃત હાલતમાં મળી આવેલા કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપસ્ટીનના મોતને લઈને એક નવો અને ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. લંડનના રોયલ કૉલેજ ઓફ પેથોલોજિસ્ટ્સના ફેલો અને ફોરેન્સિક મેડિસિનના નિષ્ણાત ડૉ. માઈકલ ફ્રીમેને મેડિકલ એક્ઝામિનરના સંપૂર્ણ રેકોર્ડની ઊંડાણપૂર્વક ચકાસણી કર્યા બાદ દાવો કર્યો છે કે એપસ્ટીનનું મોત આત્મહત્યાથી નહીં પરંતુ ગળાફાંસો આપીને કરવામાં આવેલી હત્યાથી થયું હતું. એપસ્ટીનના ભાઈ માર્ક એપસ્ટીન દ્વારા આ રિપોર્ટ ડૉ. ફ્રીમેનને સોંપવામાં આવ્યો હતો, જેમણે છેલ્લા એક વર્ષ સુધી આ તમામ દસ્તાવેજોનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને આ ચોંકાવનારી તારણો રજૂ કર્યા છે.

લંડનમાં આયોજિત એક વ્યાખ્યાન દરમિયાન ડૉ. ફ્રીમેને જણાવ્યું હતું કે એપસ્ટીનના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો અને ગળાના ઘા કોઈ પણ સંજોગોમાં આત્મહત્યાના હોઈ શકે નહીં. તેમના મતે, એપસ્ટીનના ગળા પર જે નિશાન જોવા મળ્યા છે તે ફાંસીના ફંદાના સામાન્ય નિશાન જેવા નથી, પરંતુ તેની ઉપર નખના નિશાનો પણ છે જે સ્પષ્ટપણે પાછળથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની સાક્ષી પૂરે છે. આ ઉપરાંત, તેના ડાબા ખભા પર ઊંડી હેમરેજ અને મોઢા પરના કટ્સ એ વાત તરફ ઈશારો કરે છે કે મૃત્યુ પહેલાં ભારે સંઘર્ષ અને ઝઘડો થયો હતો, જે બળપ્રયોગ (બ્લન્ટ ફોર્સ ટ્રોમા) સાબિત કરે છે.

આ નવા અને સનસનાટીભર્યા ખુલાસા બાદ મૃતક જેફરી એપસ્ટીનના ભાઈ માર્ક એપસ્ટીને સવાલો ઉઠાવ્યા છે કે જો આ હત્યા હતી, તો આટલી સુરક્ષિત ફેડરલ જેલમાં આ પાછળ કોનો હાથ હતો અને કોણે આ ષડયંત્રને અંજામ આપીને છુપાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી બાજુ, ન્યૂયોર્ક સિટી ઓફિસ ઓફ ચીફ મેડિકલ એક્ઝામિનરે અગાઉ આપેલા પોતાના નિવેદન પર અક્મક રહીને આ કેસને આત્મહત્યા જ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સેક્સ ટ્રાફિકિંગના આરોપોનો સામનો કરી રહેલા એપસ્ટીનને ન્યૂયોર્કની મેટ્રોપોલિટન કરેક્શનલ સેન્ટરની જેલના સેલમાં બંકબેડ પર લટકતી હાલતમાં મૃત મળી આવ્યો હતો.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES