ડૉ. તાન્યા રોઝર્સનું જીવનચરિત્ર એ વાતની જીવતી જાગતી સાબિતી છે કે જીવનની મુશ્કેલીઓ અને શરૂઆતની નિષ્ફળતાઓ ક્યારેય તમારા ભવિષ્યની સીમા નક્કી કરતી નથી. અત્યંત ગરીબ અને સિંગલ-પેરેન્ટ પરિવારમાં જન્મેલી તાન્યાના જીવનમાં નાનપણથી જ આર્થિક સંકડામણ રહી હતી. ચૌદ વર્ષની ઉંમરે દાદા-દાદીએ તેમને આશરો આપ્યો અને દત્તક લીધા, પરંતુ સંજોગો વસાત તેમણે હાઇસ્કૂલનો અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો અને જીવનનિર્વાહ માટે વેઇટ્રેસ તરીકે નોકરી શરૂ કરી. તેમ છતાં, શિક્ષણ પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો ન થયો અને તેમણે સ્થાનિક કોમ્યુનિટી કોલેજમાં રાત્રિ વર્ગો દ્વારા અભ્યાસ ફરી શરૂ કર્યો, જ્યાં કેમિકલ એન્જિનિયરિંગ પ્રત્યેનો તેમનો રસ જાગ્યો અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ.
જ્યારે તેઓ ચાર વર્ષની યુનિવર્સિટીમાં ડિગ્રી મેળવી રહ્યા હતા, ત્યારે તેમના માર્ગમાં વધુ એક મોટો અવરોધ આવ્યો અને તેઓ એક ગંભીર દીર્ઘકાલીન બિમારીનો ભોગ બન્યા, જેનું રહસ્ય આજદિન સુધી ડૉક્ટરો પણ સમજી શક્યા નથી. આ અસાધ્ય બિમારીના કારણે તેઓ પથારીવશ થઈ ગયા અને યુનિવર્સિટીમાંથી તેમનું નામ પણ રદ કરવામાં આવ્યું. સામાન્ય સંજોગોમાં કોઈપણ વિદ્યાર્થી માટે આ અંત હોત, પરંતુ તાન્યાએ હાર ન માની અને પ્રાયરી વ્યૂ એન્ડ એમ યુનિવર્સિટીને પત્ર લખીને પોતાની મુશ્કેલીઓ વર્ણવી અને અભ્યાસ પૂરો કરવાની તક માંગી. યુનિવર્સિટીએ તેમને ફરી તક આપી અને તેમણે તમામ શારીરિક પીડાઓ છતાં કેમિકલ એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી, ત્યારબાદ રાઈસ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્ડ બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગમાં પીએચડી પૂરું કર્યું.
હાલમાં તાન્યા રોઝર્સ નાસા (NASA) ના જોહ્ન્સન સ્પેસ સેન્ટરમાં એનર્જી સિસ્ટમ્સ ડાયરેક્ટર તરીકે સેવા આપી રહી છે અને ચંદ્ર મિશન માટેની અત્યાધુનિક ટેક્નોલોજીના વિકાસ તથા પરીક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. માત્ર અવકાશ વિજ્ઞાન જ નહીં, પરંતુ પૃથ્વી પરના પ્રદૂષણ અને કાર્બન કેપ્ચરની સમસ્યા ઉકેલવા માટે તેમણે 'ધ પીપલ્સ CO2' નામની સ્ટાર્ટઅપ કંપનીની પણ સહ-સ્થાપના કરી છે. એક સામાન્ય વેઇટ્રેસથી લઈને નાસાના ડાયરેક્ટર અને ઉદ્યોગસાહસિક સુધીની તેમની આ અદ્ભુત સફર દુનિયાભરના લાખો યુવાનો માટે અશક્યને શક્ય બનાવી દેનારી એક પ્રેરણાદાયક ગાથા બની રહી છે.
