અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસના આયોજનોને વેગ આપવા માટે દબાણ હટાવ ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત તાજેતરમાં વેજલપુર વોર્ડના મકરબા અને સરખેજ વોર્ડના સનાથલ વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. લાંબા સમયથી રસ્તા વચ્ચે કે નડતરરૂપ બનેલા ગેરકાયદે બાંધકામોને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, જેને ધ્યાનમાં રાખીને AMCએ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી પાર પાડી હતી.
વેજલપુર વોર્ડના મકરબા વિસ્તારમાં ટોરેન્ટ પાવરથી બુટભવાની મંદિર તરફ જતા રેલવે ફાટક સમાંતર માર્ગ પર બે દિવસ સુધી ચાલેલી આ કાર્યવાહીમાં ૨૯ રહેણાક, ૧૪ કોમર્શિયલ અને ૫ ધાર્મિક બાંધકામો સહિત ૩ કમ્પાઉન્ડ વોલ તોડી પાડવામાં આવી હતી. આમ, કુલ ૫૧ દબાણો દૂર કરીને ૫૨૫ મીટર લાંબો ટીપી રોડ ખુલ્લો કરાયો છે. હાલ આ રસ્તો કાચો છે પરંતુ આગામી સમયમાં અહીં પાકો માર્ગ બનાવવાનું આયોજન છે. વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પર ચાલી રહેલા બ્રિજ નિર્માણ કાર્યને કારણે બંધ રહેલા રસ્તાના વિકલ્પ તરીકે આ માર્ગ ખુલ્લો થવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકોને અવરજવરમાં ભારે રાહત મળી રહેશે.
બીજી બાજુ, સરખેજ વોર્ડની ટીપી સ્કીમ નંબર ૪૪૪ હેઠળ સનાથલ ચોકડીથી બાકરોલ તરફ જતા રિંગ રોડને સમાંતર ૧૨ મીટર પહોળા ટીપી રોડ પર પણ તંત્રનું બુલડોઝર ફર્યું હતું. આ વિસ્તારમાં ધમધમતા ૨૪ જેટલા કોમર્શિયલ બાંધકામોને હટાવીને ૧,૧૦૦ મીટર એટલે કે ૧.૧ કિલોમીટર લાંબો રસ્તો દબાણમુક્ત કરવામાં આવ્યો છે. મકરબા અને સનાથલ બંને સ્થળોની આ સંયુક્ત કામગીરીથી કુલ ૧,૬૨૫ મીટર લાંબો નવો રસ્તો નાગરિકો માટે ઉપલબ્ધ બન્યો છે, જે શહેરી ટ્રાફિક વ્યવસ્થા સુધારવાની દિશામાં એક મોટું પગલું સાબિત થશે.
