અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નેશનલ વેધર સર્વિસ (NWS) ની ચેતવણી મુજબ સેન્ટ્રલ ફ્લોરિડા અને સ્પેસ કોસ્ટ વિસ્તારમાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક બની છે. બ્રેવર્ડ અને વોલ્યુસિયા કાઉન્ટીમાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યાં જમીન પહેલેથી જ પાણીથી સંતૃપ્ત હોવાના કારણે પૂરનું જોખમ અનેકગણું વધી ગયું છે. મેલબોર્ન, પામ બે, કોકો અને ઓર્લાન્ડો સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો બંધ કરવાની ફરજ પડી છે અને પૂરનું પાણી હવે રહેણાંક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફ્લોરિડાના ગવર્નર રોન ડિસેન્ટિસે રાજ્યમાં કટોકટીની સ્થિતિ (સ્ટેટ ઓફ ઇમરજન્સી) નું વ્યાપક વિસ્તરણ કર્યું છે. બ્રોવર્ડ, ડુવાલ, ફ્લેગલર, મિયામી-ડેડ, મનરો, પુટનમ અને સેન્ટ જ્હોન્સ કાઉન્ટીઓને પણ કટોકટી હેઠળ આવરી લેવામાં આવી છે. આ આપત્તિજનક પરિસ્થિતિનો સામનો કરવા માટે સેંકડો નેશનલ ગાર્ડ અને સ્ટેટ ગાર્ડના જવાનો ઉપરાંત હાઇવે પેટ્રોલ ટ્રૂપર્સ અને ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને સુરક્ષા અને રાહત કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. સતત વધતા જળસ્તર અને રેલવે કોરિડોર પરના ખતરાને કારણે ઓર્લાન્ડો અને વેસ્ટ પામ બીચ વચ્ચેની બ્રાઇટલાઇન ટ્રેન સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
દક્ષિણ ફ્લોરિડામાં પણ સ્થિતિ એટલી જ ચિંતાજનક છે, જ્યાં ફોર્ટ લોર્ડરડેલ શહેરમાં માત્ર ૪૮ કલાકની અંદર આશરે ૧૭ ઇંચ જેટલો જંગી વરસાદ નોંધાયો છે. સેન્ટ જ્હોન્સ નદીનું સ્તર પણ સતત વધી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધુ વિકટ બની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાયવ્ય બહામ્બા અને અગ્નિ ફ્લોરિડા નજીક એક લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે આગામી સપ્તાહના અંત સુધીમાં ઉષ્ણકટિબંધીય તોફાનમાં ફેરવાઈ શકે છે. આ સંભવિત તોફાનને કારણે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જારી કરીને નાગરિકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે.
