JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
હવામાન

ઓડિશામાં 'અકવાન' વાવાઝોડાનું તાંડવ: ચાર લાખ લોકોનું સ્થળાંતર કરાઈ 'ઝીરો ડેથ'નું લક્ષ્ય

ઓડિશામાં 'અકવાન' વાવાઝોડાનું તાંડવ: ચાર લાખ લોકોનું સ્થળાંતર કરાઈ 'ઝીરો ડેથ'નું લક્ષ્ય
બંગાળની ખાડીમાં સર્જાયેલા 'અકવાન' વાવાઝોડાએ ઓડિશાના દરિયાકાંટે દસ્તક દીધી છે. ૯૦-૧૦૦ કિમીની ઝડપે ફૂંકાતા પવન વચ્ચે તંત્ર દ્વારા ચાર લાખ લોકોનું સ્થળાંતર કરી 'ઝીરો ડેથ' મિશન હાથ ધરવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ભીષણ ચક્રવાતી તોફાન 'અકવાન' આજે સવારે ઓડિશાના ગોપાલપુર દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાના લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને તે ઉત્તર આંધ્ર પ્રદેશ તેમજ દક્ષિણ ઓડિશાના કિનારે ભારે તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે. ઈરાન દ્વારા સૂચવવામાં આવેલા આ વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં ૯૦ થી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સલામતીના ભાગરૂપે કુલ ૬૯ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે.

માનવહાનિ ટાળવા માટે ઓડિશા સરકારે યુદ્ધના ધોરણે 'ઝીરો ડેથ' મિશન હાથ ધર્યું છે. સંવેદનશીલ અને નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં અંદાજે ચાર લાખ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેમાં ચાર હજારથી વધુ ગર્ભવતી મહિલાઓ પણ સામેલ છે. રાહત શિબિરોમાં આશરો લીધેલા નાગરિકો માટે ભોજન, શુદ્ધ પાણી અને તબીબી સહાયની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી તરફ, ભૂસ્ખલનની સંભાવના ધરાવતા પાંચ જિલ્લાઓનાં ૯૪૧ સ્થળોની ખાસ ઓળખ કરીને વહીવટી તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉના વાવાઝોડાના કડવ અનુભવોમાંથી બોધપાઠ લઈને પ્રશાસન દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કામગીરીને પહોંચી વળવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ સંપૂર્ણપણે સજ્જ છે. ઓડિશામાં NDRF, ODRAF અને ફાયર બ્રિગેડની ટીમો સહિત કુલ ૪૨૩ બચાવ દળો તૈનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ઓડિશા, આંધ્ર પ્રદેશ ઉપરાંત પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છત્તીસગઢ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે. તંત્ર દ્વારા માછીમારોને સમુદ્રમાં ન જવા સ્પષ્ટ સૂચના અપાઈ છે અને સામાન્ય જનજીવનને પૂર્વવત કરવા માટે તમામ આપત્તિ રાહત દળોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES