જામનગર શહેરના જકાતનાકા નજીક જનતા ફાટક પાસે ગઈકાલે બપોરે સર્જાયેલી ડમ્પર અકસ્માતની કરુણ ઘટનામાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ માર્ગ અકસ્માત જણાતી આ ઘટનામાં સીસીટીવી કેમેરાની ચકાસણી દરમિયાન યુવકે જાતે જ ડમ્પર નીચે કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ બનાવમાં જકાતનાકા નજીક પ્રજાપતિ શેરી નંબર-૯માં રહેતા ૩૬ વર્ષીય વિજયભાઈ કાનજીભાઈ ગોહીલ નામના યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બનાવની વિગત અનુસાર, ગઈકાલે બપોરે આશરે સાડા ચાર વાગ્યાના સુમારે વિજયભાઈ ગોહીલ રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ભારે ડમ્પરના જોટા નીચે આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. જોકે, પોલીસે આસપાસની દુકાનોના સીસીટીવી ફૂટેજ તપાસતા હકીકત સામે આવી હતી કે યુવક અગાઉથી રસ્તાની એક બાજુ બેઠો હતો અને જેવું ડમ્પર નજીક આવ્યું કે તે અચાનક ઊભો થઈને ડમ્પર તરફ દોડ્યો હતો અને પૈડાં નીચે ઝંપલાવી દીધું હતું. આ ઉપરાંત તે જ દિવસે સવારના સમયે પણ આ યુવક આ જ સ્થળે આંટાફેરા કરતો હોવાના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે.
આ ગંભીર બનાવની જાણ થતાં જ સીટી-સી ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ હેડ કોન્સ્ટેબલ સહિતની ટીમે તાત્કાલિક મૃતદેહનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. સવારથી બપોર સુધીના સમયગાળા દરમિયાન યુવક સાથે કોઈ બોલાચાલી કે ઝઘડો થયો હતો કે કેમ તેમજ કયા અગમ્ય કારણોસર તેણે આ અંતિમ પગલું ભર્યું, તે દિશામાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી છે.
