JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ઓટોમોબાઈલ

દેશમાં વાહનોના વેચાણમાં ૩૧ ટકાથી વધુનો ધરખમ ઉછાળો: ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ઐતિહાસિક તેજી

Oct 06, 2026 | 12:01 | By JAMNAGAR MIRROR
દેશમાં વાહનોના વેચાણમાં ૩૧ ટકાથી વધુનો ધરખમ ઉછાળો: ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં ઐતિહાસિક તેજી

આગામી તહેવારોની મોસમ પૂર્વે દેશના વાહન બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે અને ઓટોમોબાઈલ ક્ષેત્રે દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન દેશમાં વાહનોના કુલ વેચાણમાં વાર્ષિક ધોરણે ૩૧.૭ ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે. ખાસ કરીને પેસેન્જર કારોના વેચાણમાં ૩૨.૪ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. આ તેજીમાં સૌથી મોટું આકર્ષણ પર્યાવરણને અનુકૂળ એવા ઇલેક્ટ્રિક વાહનોનું રહ્યું છે. ઇલેક્ટ્રિક કારોના વેચાણમાં ૯૩.૮ ટકાનો જંગી વધારો થયો છે અને કુલ આંકડો ૩૬ હજાર યુનિટને પાર કરી ગયો છે, જે દેશના ઇતિહાસમાં કોઈપણ એક મહિનામાં નોંધાયેલું ઇલેક્ટ્રિક કારોનું સર્વોચ્ચ વેચાણ છે.

વિવિધ વાહન વર્ગોના આંકડાઓ પર નજર કરીએ તો, ટુ-વ્હીલર વાહનોના વેચાણમાં ૩૩.૧ ટકા અને ટ્રેક્ટરોના વેચાણમાં ૩૮.૨ ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કોમર્શિયલ વાહનોમાં ૨૨.૨ ટકા તેમજ ત્રિચક્રી વાહનોમાં ૧૩.૯ ટકાનો સુધારો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ક્ષેત્રે પણ ૮૮.૫ ટકાના ઉછાળા સાથે એક જ મહિનામાં ૨.૦૭ લાખથી વધુ વાહનોનું વેચાણ થયું છે. કાર બજારમાં ઈંધણ આધારિત હિસ્સેદારી જોઈએ તો, પેટ્રોલ અને ડીઝલ સંચાલિત કારો હજુ પણ ૬૮.૨ ટકા સાથે મોખરે છે, જ્યારે સીએનજી વાહનો ૨૩.૨ ટકા અને ઇલેક્ટ્રિક કારો ૮.૬ ટકાનો બજાર હિસ્સો ધરાવે છે.

ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં કંપનીઓની સ્પર્ધામાં ટાટા મોટર્સ ૪૧.૦ ટકાના હિસ્સા સાથે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સફળ રહી છે. મહિન્દ્રા ૨૧.૫ ટકા સાથે બીજા ક્રમે છે, જ્યારે એમજી મોટર્સનો હિસ્સો ઘટીને ૧૪.૫ ટકા રહ્યો છે અને મારુતિ ત્રણ ટકા હિસ્સા સાથે આ ક્ષેત્રે પ્રવેશી છે. બીજી તરફ, ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધવા છતાં પાયાની સુવિધાઓ અંગે ચિંતા યથાવત છે. દેશભરમાં ૫૨,૭૧૮ સાર્વજનિક ચાર્જિંગ મથકો હોવા છતાં બંધ પડેલા ચાર્જર, મોંઘા દર અને રહેણાંક સોસાયટીઓમાં ઘરઆંગણે ચાર્જર લગાવવાની જટિલ મંજૂરીઓ ગ્રાહકો માટે હજુ પણ મોટો પડકાર બની રહી છે.

LATEST ARTICLES