JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
સમાચાર

રસ્તાના જીવલેણ ખાડાઓ માટે કોણ જવાબદાર? વાહનચાલકો માટે તંત્રનું અધિકારક્ષેત્ર સમજવું અનિવાર્ય

Oct 06, 2026 | 11:22 | By JAMNAGAR MIRROR
રસ્તાના જીવલેણ ખાડાઓ માટે કોણ જવાબદાર? વાહનચાલકો માટે તંત્રનું અધિકારક્ષેત્ર સમજવું અનિવાર્ય

દેશભરમાં માર્ગો પર પડેલા જોખમી ખાડા માત્ર વાહનચાલકોની કમર નથી તોડતા પરંતુ જીવલેણ સાબિત થઈ રહ્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ભારતમાં ખાડાઓને કારણે થતા મૃત્યુની સંખ્યામાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. વર્ષ ૨૦૨૦માં ખાડાઓના લીધે થયેલા અકસ્માતોમાં ૧,૫૫૫ લોકોનાં મોત થયા હતા, જે આંકડો વર્ષ ૨૦૨૪માં વધીને ૨,૩૮૫ પર પહોંચી ગયો છે. આમ, છેલ્લા પાંચ વર્ષમાં ખાડાઓના લીધે થતા મોતમાં ૫૩ ટકાનો તોતિંગ વધારો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં ૯,૪૦૦થી વધુ નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાં એકલા ઉત્તર પ્રદેશમાં જ ૫,૧૦૦થી વધુ નાગરિકો કાળનો કોળિયો બન્યા છે.

કોઈપણ ખાડો રાતોરાત પડતો નથી, પરંતુ ચોમાસા બાદ નબળી પડેલી સપાટી પર સતત વાહનો દોડવાથી તે મોટો અને ઘાતક બને છે. અકસ્માત સર્જાય ત્યારે લોકો સરકાર સામે રોષ વ્યક્ત કરે છે, પરંતુ મોટાભાગના નાગરિકોને એ ખ્યાલ નથી હોતો કે તે રસ્તાની જવાબદારી કયા વિભાગની છે. ભારતમાં માર્ગ વ્યવસ્થા વિવિધ સ્તરોમાં વહેંચાયેલી છે. બે રાજ્યો કે મોટા શહેરોને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ અને જાળવણી ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ દ્વારા કરવામાં આવે છે. જ્યારે રાજ્યના અંદરોઅંદરના શહેરોને જોડતા રાજ્ય ધોરીમાર્ગો અને મોટા જિલ્લા માર્ગોની જવાબદારી રાજ્યના જાહેર બાંધકામ વિભાગ હસ્તક હોય છે. આ ઉપરાંત ગામડાઓના રસ્તા પંચાયત હસ્તક અને શહેરી વિસ્તારોમાં સોસાયટીઓ કે બજારોના આંતરિક રસ્તાઓ સ્થાનિક મહાનગરપાલિકા કે નગરપાલિકાની હદમાં આવે છે.

રસ્તાનું અધિકારક્ષેત્ર ઓળખવું મુશ્કેલ નથી. માર્ગ પર લાગેલા બોર્ડ અને માઇલસ્ટોન પરથી રાષ્ટ્રીય કે રાજ્ય ધોરીમાર્ગની ઓળખ થઈ શકે છે. રાષ્ટ્રીય રાજમાર્ગ સંબંધિત સમસ્યાઓ માટે કેન્દ્ર સરકારે ૧૦૩૩ ટોલ-ફ્રી હેલ્પલાઇન પણ શરૂ કરી છે. ઘણી વખત નાગરિકો ખોટા વિભાગમાં રજૂઆત કરે છે, જેથી ફરિયાદ સરકારી બાબુઓની ફાઈલોમાં અટવાઈ જાય છે અને મરામત સમયસર થતી નથી. આથી અકસ્માત ટાળવા અને તંત્ર પાસેથી જવાબ મેળવવા માટે નાગરિકોએ સાચા વિભાગ સુધી પહોંચવું એટલું જ જરૂરી છે.

LATEST ARTICLES