ચેક બાઉન્સના વર્ષો જૂના કેસમાં બોલિવૂડના જાણીતા અભિનેતા રાજપાલ યાદવને દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત આકરા શબ્દોમાં ફટકાર લગાવી છે. અદાલતના આદેશોનું સતત અનાદર કરવા અને ચુકવણીની ખાતરી આપ્યા બાદ પણ નાણાં જમા ન કરાવવા બદલ ખંડપીઠે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સહિતની ખંડપીઠે કડક વલણ અપનાવતા સ્પષ્ટ કહ્યું હતું કે આ ઘમંડને તેની યોગ્ય જગ્યાએ મૂકવો જરૂરી છે. તમને ખબર હોવી જોઈએ કે ક્યારે બોલવું, તમારું અસલી સ્થાન જેલમાં છે.
અભિનેતાએ અગાઉ કોર્ટ સમક્ષ પાંચ કરોડ રૂપિયા જમા કરાવવાની બાંહેધરી આપી હતી, પરંતુ નિર્ધારિત મુદત વીતી ગયા છતાં રકમ જમા કરાવાઈ નહોતી. સુનાવણી દરમિયાન તેમના વકીલે માત્ર પચાસ લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટની નકલ રજૂ કરી બેંકિંગ પ્રક્રિયાનું કારણ આગળ ધર્યું હતું. અદાલતે આ દલીલને ફગાવતા જણાવ્યું હતું કે ચુકવણી માટે સોળ દિવસનો પૂરતો સમય આપવામાં આવ્યો હતો. ફરિયાદી પક્ષે પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે અભિનેતા વારંવાર કોર્ટ સમક્ષ આપેલા વચનોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ વર્ષ ૨૦૧૦માં એક ફિલ્મના નિર્માણ માટે લેવાયેલી આશરે પાંચ કરોડ રૂપિયાની લોન સાથે જોડાયેલો છે. આ રકમની ચુકવણી પેટે આપવામાં આવેલા અનેક ચેક બાઉન્સ થતાં ફોજદારી કેસ નોંધાયા હતા. આ મામલે અગાઉ સેશન્સ અદાલતે તેમને છ મહિનાની જેલની સજા ફટકારી હતી, જેને પાછળથી દિલ્હી હાઈકોર્ટે સાત ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની કેદ તરીકે યથાવત રાખી હતી.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે અરજી તાત્કાલિક ફગાવી શકાય તેમ છે, પરંતુ તેમ કરવાથી ફરિયાદી પક્ષને બાકી નીકળતી રકમ મેળવવામાં અડચણ ઊભી થઈ શકે છે. ફરિયાદીને તેના નાણાં પરત મળે તે બાબતને ધ્યાને રાખીને કોર્ટે રાજપાલ યાદવને ચુકવણી માટે મંગળવાર સુધીની આખરી તક આપી છે અને કેસની વધુ સુનાવણી બુધવાર પર મુલતવી રાખી છે.
