અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે પરંપરાગત માધ્યમો છોડીને સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની છબી ચમકાવવાના રસ્તે ચાલ્યું છે. ડિજિટલ યુગમાં યુવા વર્ગ એટલે કે 'જેન ઝી'ને પ્રભાવિત કરવા અને તંત્રના ગુણગાન ગાવા માટે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને ભાડે રાખવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ અને યુટ્યુબ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર રીલ્સ, વીડિયો અને આકર્ષક પોસ્ટ બનાવીને મ્યુનિસિપલ તંત્રની કામગીરીના દેખાડા કરવાનો આ અનોખો પ્લાન ઘડવામાં આવ્યો છે. આ સમગ્ર યોજના પાછળ જનતાના પરસેવાના બે કરોડ રૂપિયાથી વધુનું જંગી ભંડોળ પાણીની જેમ વેરવામાં આવશે.
આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે બે વર્ષના કરાર હેઠળ અંદાજે રૂ. ૨.૧૬ કરોડના ખર્ચે 'ઈવીએમ કન્સલ્ટન્સી' નામની એજન્સીને આ કામગીરી સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સત્તાવાર દરખાસ્ત રજૂ કરવામાં આવી છે, જેમાં જીએસટીનો ખર્ચ અલગથી ચૂકવવામાં આવશે. રસપ્રદ બાબત એ છે કે ત્રણેક મહિના પહેલા આ જ સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટે વાર્ષિક અંદાજ માત્ર ૬૦ થી ૭૦ લાખ રૂપિયા જ રાખવામાં આવ્યો હતો. પરંતુ, તે સમયે કોઈ એજન્સી રસ ન દાખવતા રિ-ટેન્ડર કરવાની ફરજ પડી હતી અને રિ-ટેન્ડર પ્રક્રિયા બાદ આ રકમ સીધી વધારીને બે ગણી કરી દેવામાં આવતા તંત્રની નાણાકીય નીતિઓ સામે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.
અત્યાર સુધી મ્યુનિસિપલ તંત્ર શહેરના મુખ્ય માર્ગો પર વિશાળ હોર્ડિંગ્સ, બેનરો અને પત્રિકાઓના વિતરણ દ્વારા જનસંપર્ક અભિયાન ચલાવતું હતું, પરંતુ બદલાતા સમય સાથે હવે એજન્સી દ્વારા દરરોજ ઓછામાં ઓછી ત્રણ પોસ્ટ કે રીલ અપલોડ કરીને ફોલોઅર્સ વધારવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રોડ પરના વાસ્તવિક પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર સોશિયલ મીડિયા પર સકારાત્મક છબી ઊભી કરવા માટે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચવાના આ તુક્કાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
