JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

કલોલ કોર્ટનો કડક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને બે લાખનો દંડ

કલોલ કોર્ટનો કડક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને બે લાખનો દંડ
કલોલ તાલુકામાં સગીરાને ભગાડી જઈને તેની પર અવારનવાર દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં કલોલ સેશન્સ કોર્ટે સંસ્કૃત શ્લોક સાથે ઐતિહાસિક ચુકાદો આપીને આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ઘટનાની વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ટીટારણ ગામે રહેતો સંજય ઉર્ફે મીત ઉર્ફે પાસપોર્ટ ભુરાજી દોડીયાર કલોલ તાલુકાના એક ગામની સગીરાને લલચાવીને પોતાની સાથે ભગાડી ગયો હતો. આરોપી સગીરાને અલગ-અલગ જગ્યાએ રાખીને તેની પર બળજબરીપૂર્વક અવારનવાર દુષ્કર્મ આચરતો હતો. આ ગંભીર બાબતે પીડિતાના પરિવારજનો દ્વારા કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને દુષ્કર્માની ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી કલોલ તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે. જે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ અલ્પેશકુમાર, વિજયસિંહ અને જનકજીની ટીમે આરોપી વિરુદ્ધ મજબૂત પુરાવાઓ એકત્રિત કર્યા હતા અને ટૂંકા સમયમાં જ કોર્ટ સમક્ષ સક્ષમ ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ કલોલના ત્રીજા સેશન્સ જજ બી. આર. રાજપૂતની કોર્ટમાં ચાલી રહ્યો હતો, જ્યાં ન્યાય મેળવવા માટે સરકારી પક્ષ દ્વારા તમામ રેકોર્ડ અને દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા.

કોર્ટમાં ચાલેલા આ કેસ દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશી દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને પોલીસ દ્વારા રજૂ કરાયેલા નક્કર પુરાવાઓને ન્યાયાધીશે ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે ચુકાદાની શરૂઆત વિશેષરૂપે સંસ્કૃતના શ્લોકથી કરીને સમાજમાં એક મોટો અને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો. સેશન્સ જજ બી. આર. રાજપૂતે કાયદો અને ન્યાયના સિદ્ધાંતોને આધારે આરોપી સંજય દોડીયારને કલમ હેઠળ દોષિત ઠેરવતા ૨૦ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા ૨ લાખનો દંડ ફટકાર્યો છે, જેને પગલે ન્યાયતંત્રમાં વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

LATEST ARTICLES