દેશભરના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનરોની લાંબા સમયથી અણઉકેલ રહેલી વિવિધ માંગણીઓ અંગે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે રાષ્ટ્રીય સ્તરે એક મોટું આંદોલન આકાર લઈ રહ્યું છે. નેશનલ કોર્ડીનેશન ઓફ પેન્શનર્સ એસોસીએશન દ્વારા આપવામાં આવેલા આહવાન અને ફોરમ ઓફ સિવિલ પેન્શનર્સ એસોસીએશન ગુજરાતના બેનર હેઠળ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાંથી પેન્શનરો દિલ્હીના જનપથ સ્થિત ઈસ્ટર્ન કોર્ટ ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં જોડાશે. આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોની લાંબી પ્રતીક્ષા છતાં સંતોષકારક ઉકેલ ન આવ્યા હોય તેવા અગિયાર જેટલા મહત્વપૂર્ણ પ્રશ્નો અને પડતર માંગણીઓનું નિરાકરણ લાવવાનો છે.
આ રાષ્ટ્રીય આંદોલનની પૂર્વભૂમિકા રૂપે અગાઉ ગુજરાતમાં પણ વ્યાપક વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યા હતા. ગત સપ્ટેમ્બર મહિનાની ૧૭, ૧૮ અને ૧૯ તારીખ દરમિયાન અમદાવાદ ખાતે ભદ્ર ટેક્સી સ્ટેન્ડની બાજુમાં આવેલા સરદાર બાગ પાસે ત્રિદિવસીય ધરણાં કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ દરમિયાન યોજાયેલા આ ધરણાંમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારના જાહેર સાહસો (PSU) ના હજારો પેન્શનરો અને વિવિધ સંગઠનોના હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સરકારની ઉદાસીન નીતિ સામે રોષ વ્યક્ત કર્યો હતો અને પોતાની વ્યાજબી માંગણીઓ બુલંદીથી રજૂ કરી હતી.
જો કે, રાજ્ય સ્તરે થયેલા વિરોધ પ્રદર્શનો અને આવેદનપત્રો છતાં કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી આ ૧૧ મુખ્ય માંગણીઓ અંગે કોઈ સત્તાવાર કે સકારાત્મક નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. સરકારના આ ટালટૂલ વલણથી નારાજ થઈને અગાઉથી નક્કી થયેલા કાર્યક્રમ મુજબ આગામી ૨૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ દિલ્હી ખાતે યોજાનાર આક્રમક સંસદ માર્ચ અને ધરણા કાર્યક્રમમાં જોડાવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનીયારા દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર, આ રાષ્ટ્રીય ધરણાં અને સંસદ માર્ચમાં ઉત્સાહભેર ભાગ લેવા માટે ગુજરાતમાંથી ૫૨ જેટલા પ્રભાવશાળી પ્રતિનિધિઓનું પ્રતિનિધિમંડળ દિલ્હી જવા માટે રવાના થશે.
