દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલય ખાતે આયોજિત 'દિવાળી મિલન' કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્રકારો સાથે અનૌપચારિક સંવાદ સાધીને પોતાના રાજકીય જીવનના શરૂઆતના દિવસોને યાદ કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની યજમાનીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પીએમ મોદીએ 90ના દશકાના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, જ્યારે તેઓ દિલ્હી આવ્યા હતા અને અશોકા રોડ સ્થિત કાર્યાલયથી પાર્ટીનું કામકાજ ચાલતું હતું, ત્યારે તેમને મીડિયાની જવાબદારી સોંપવામાં આવી હતી. તે સમયના દિવાળી મિલન સમારોહમાં તેમનું મુખ્ય કાર્ય ખુરશીઓ ગોઠવવાથી લઈને પત્રકારોનું સ્વાગત કરવાનું અને તેમની દેખરેખ રાખવાનું હતું. તે વખતે કેમેરા ઓછા હતા પરંતુ સંબંધોમાં અદ્ભુત આત્મીયતા જોવા મળતી હતી.
પત્રકારત્વના બદલાતા સ્વરૂપ વિશે ચર્ચા કરતા વડાપ્રધાને પ્રેસ રિલીઝથી લઈને આજના ડિજિટલ યુગ સુધીની સફરને યાદ કરી હતી. તેમણે કહ્યું કે મીડિયાની દુનિયા સાથે તેમનો સહજ સંબંધ લાંબા સમયથી રહ્યો છે અને તેમણે પ્રેસ રિલીઝથી લઈને ઇન્સ્ટા રીલ્સ રિલીઝ સુધીનો સમગ્ર સમય જોયો છે. સંગઠનાત્મક દિવસોના અનુભવોને યાદ કરતા તેમણે ઉમેર્યું કે મહેમાનોની આગતાસ્વાગતાથી લઈને ન્યૂઝ ડેસ્ક અને કેમેરા પર્સન સાથે કામ કરવાના અનુભવોથી તેમને ઘણું શીખવા મળ્યું છે, જે આજે પણ તેમના માટે ઉપયોગી સાબિત થાય છે. ટેક્નોલોજીના આગમન સાથે પરંપરાગત મીડિયાનું કામ સરળ બનવા સાથે નવા પડકારો પણ સર્જાયા છે તેની તેમણે સરસણ કરી હતી.
દેશની લોકશાહી અને બદલાતા પ્રસારણ માધ્યમો પર વાત કરતા વડાપ્રધાને જણાવ્યું કે ભારતમાં જેટલા મોં છે તેટલી જ વાતો અને ઓપિનિયન્સ છે, અને આ વિવિધતા જ આપણી લોકશાહીને વાઇબ્રન્ટ જાળવી રાખે છે જેમાં ભારતીય મીડિયાની ભૂમિિકા અત્યંત મહત્વની છે. પહેલાના સમયમાં મોટી ઓબી વાનનો સંઘર્ષ હતો જ્યારે આજે દરેકનો મોબાઇલ જ ઓબી વેન બની ગયો છે અને દરેક વ્યક્તિનું પોતાનું પ્લેટફોર્મ કે પોડકાસ્ટ છે. તેમણે હસતા-હસતા ટકોર કરી કે જેમ એક સમયે ગલીએ ગલીએ ક્રિકેટ એક્સપર્ટ જોવા મળતા હતા, તેમ આજે દરેક ગલીમાં સમાચારના એક્સપર્ટ મળી જાય છે, જે સમયની સાથે બદલાતા પ્રસારણ અને વિચારોની અભિવ્યક્તિ દર્શાવે છે.
