JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

મુંબઈ લોકલમાં ડીસાબલ્ડ ડબ્બામાં છેડતીનો વિરોધ કરતા યુવતીને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી, ડાબો હાથ ગુમાવવો પડ્યો

| By JAMNAGAR MIRROR
મુંબઈ લોકલમાં ડીસાબલ્ડ ડબ્બામાં છેડતીનો વિરોધ કરતા યુવતીને ટ્રેનમાંથી નીચે ફેંકી દીધી, ડાબો હાથ ગુમાવવો પડ્યો
મુંબઈના નાઈગાંવ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેને છેડતીનો વિરોધ કરનાર વીસ વર્ષીય સુફિયા શેખને ધક્કો મારતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ગોઝારી ઘટનામાં હોસ્પિટલ ખાતે તેની સમયસૂચક સારવાર છતાં ડાબો હાથ કાપવો પડ્યો છે.

મુંબઈ લોકલ ટ્રેનમાં સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કરતી હચમચાવનારી ઘટના સામે આવી છે. ગત ચોથી નવેમ્બરના રોજ ૨૦ વર્ષીય સુફિયા શેખ બોરીવલીથી વિરાર તરફ જતી ભીડભાડવાળી લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. અજાણતાં જ તે દિવ્યાંગો માટેના અનામત ડબ્બામાં ચડી ગઈ હતી, જ્યાં જીતેન્દ્ર હિરમુખે નામના ૫૩ વર્ષીય ઇસમે તેની સાથે અડપલાં અને છેડતી કરવાનું શરૂ કર્યું હતું. મહિલાએ પોતાની સ્વરક્ષણ અને સન્માન ખાતર આ હરકતનો ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના કારણે બંને વચ્ચે બોલાચાલી અને તીખી તકરાર થઈ હતી.

આ વિવાદ ટ્રેન નાઈગાંવ રેલવે સ્ટેશન પર પહોંચી ત્યારે પણ ચાલુ જ હતો અને આરોપીએ નરાધમ બનીને યુવતીને ચાલુ ટ્રેનેથી પ્લેટફોર્મ પર ધક્કો મારી દીધો હતો. યુવતી ટ્રેનના બે ડબ્બા વચ્ચેની ખાલી જગ્યામાં પટકાઈ હતી અને તે ઊભી થવા જાય તે પહેલા જ ટ્રેન ઉપડી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રેલવે પોલીસની મદદથી તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં અને બાદમાં વધુ સારવાર માટે કૂપર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ડૉક્ટરોએ તેની બગડતી હાલત અને ઈજાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તેનો ડાબો હાથ કોણીથી નીચે કાપી નાખવો પડ્યો હતો.

ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાનો ચહેરો રૂમાલથી છુપાવીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, પરંતુ ભાઈંદર રેલવે પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અનેક લોકેશનના સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરીને આરોપી જીતેન્દ્ર હિરમુખેની ઓળખ કરી લીધી હતી અને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે કેન્સરની બીમારીથી પીડિત આ આરોપી વિરુદ્ધ છેડતી તેમજ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.

LATEST ARTICLES