ચેન્નઈના નોચિકુપ્પમ વિસ્તારના માછીમારો ગુરુવારે દરરોજની જેમ વહેલી સવારે માછીમારી માટે દરિયામાં ગયા હતા, પરંતુ તે દિવસ તેમના માટે મુશ્કેલીઓ લઈને આવ્યો. જ્યારે તેમણે માછલી પકડવા માટે પોતાની જાળ પાછી ખેંચી ત્યારે અસંખ્ય પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકની શીટ્સ અને વેપરસ તેમાં ફસાયેલા જોવા મળ્યા. માછીમાર નેતા એથિરાજના જણાવ્યા અનુસાર, આ પ્રકારે કચરો ફસાવાથી તેમની લગભગ ૧૦ જેટલી માછીમારીની જાળ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જેમાંથી દરેકની કિંમત અંદાજે એક લાખ રૂપિયા જેટલી છે. આ ભારે નુકસાનના કારણે કેટલીક જાળને તાત્કાલિક ધોરણે સાંધવી પડશે તો વળી કેટલીક જાળીઓને બદલી નાખવાની ફરજ પડી છે.
આ ગંભીર સમસ્યા માત્ર નોચિકુપ્પમ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ટ્રિપ્લિકેન, એન્નૌર અને સંથોમ જેવા દરિયાકાંઠાના વિસ્તારોના માછીમારો પણ લાંબા સમયથી આ જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. માછીમાર નેતા આર.એલ. શ્રીનિવાસનના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન જ્યારે વરસાદી પાણીનો પ્રવાહ વધે છે, ત્યારે નદીઓ અને ગટરોમાં જમા થયેલો પ્લાસ્ટિકનો કચરો સીધો દરિયામાં ઠલવાય છે. અગાઉ પણ એન્નૌર અને તિરુવુટ્ટિયુર વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે. માછીમારો દ્વારા સ્થાનિક તંત્રો અને મત્સ્યોદ્યોગ વિભાગ સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં, દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ સમસ્યા પુનરાવર્તિત થાય છે અને કચરો હટાવવા માટે કોઈ કાયમી ઉકેલ દેખાતો નથી.
આ મામલે પ્રતિક્રિયા આપતા મત્સ્યોદ્યોગ વિભાગના સંયુક્ત નિયામક એ. ઇલંગઓએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુમાં દરિયામાં કચરો ફસાવાની આ એક સામાન્ય ઘટના બની ગઈ છે, પરંતુ કિનારાથી ૧૨ નોટિકલ માઈલ દૂધ સુધીના વિસ્તારમાં પ્લાસ્ટિકના કચરાને નિયંત્રિત કરવાની પ્રાથમિક જવાબદારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની છે. બીજી તરફ, મત્સ્યોદ્યોગ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે નોચિકુપ્પમ માછીમારોને જો કોઈ પણ પ્રકારની સહાય કે વળતરની જરૂર હોય તો તેઓ દક્ષિણ ઝોન કચેરીનો સંપર્ક કરી શકે છે, જ્યાં નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને તેમને મદદ પૂરી પાડવામાં આવશે.
