નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો માટે ખાસ દિવાળી મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશેષ ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાને મીડિયા સાથેના પોતાના દાયકાઓ જૂના સંબંધોને યાદ કરતા પત્રકારત્વના બદલાતા સ્વરૂપ વિશે ચર્ચા કરી હતી. તેમણે હસમુખા સ્વભાવે જણાવ્યું કે, એક સમય હતો જ્યારે તેઓ આવા જ પત્રકાર સમારોહમાં ખુરશીઓ ગોઠવવાનું કામ કરતા હતા, અને આજે સમય બદલાયો છે. પ્રિષ રિલીઝના જમાનાથી લઈને આજના ઈન્સ્ટાગ્રામ રીલ્સના આધુનિક યુગ સુધીના મીડિયાના આ પ્રવાસને તેમણે ખૂબ નજીકથી નિહાળ્યો છે.
આ સંબોધન દરમિયાન પીએમ મોદીએ પોતાના રાજકીય જીવનનો એક અત્યંત રસપ્રદ કિસ્સો યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, જ્યારે તેમને પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત થઈ હતી, ત્યારે આ બાબતની જાણ માત્ર પાર્ટીના ગણતરીના વરિષ્ઠ નેતાઓને જ હતી. તે જ સમયે પત્રકારોનું એક જૂથ અચાનક તેમની રૂમમાં આવી પહોંચ્યું હતું અને તેમને કહ્યું હતું કે, "તમે હવે ગુજરાતના મુખ્યમંત્રી બની ગયા છો, જલ્દી મિઠાઈ ખવડાવો." આ રીતે પત્રકારો દ્વારા જ તેમને આ મોટા સમાચાર મળ્યા હોવાની યાદગીરી તાજી કરીને તેમણે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
લોકશાહીમાં મીડિયાના યોગદાનની પ્રશંસા કરતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું કે પત્રકારત્વ લોકશાહીને જીવંત રાખવામાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને પત્રકારત્વ જગતમાં કંઈપણ અશક્ય નથી. તહેવારોના વ્યસ્ત સમય અને પોતાની દોડધામ ભરેલી દિનચર્યા વચ્ચે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તેમણે તમામ પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રસંગને તેમણે મજાકના મૂડમાં 'નોન-બ્રેકિંગ ન્યૂઝ ઇવેન્ટ' તરીકે પણ સંબોધિત કર્યો હતો, જેનાથી સમગ્ર સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
