જામનગર શહેરમાં પાણીની બૂમો વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઈકાલે મધરાત્રે દોઢ વાગ્યાના સુમારે દિગજામ સર્કલ પાસે આવેલા મહાનગરપાલિકાના પાણીના સંપમાંથી અચાનક લાખો લિટર પાણી ઓવરફ્લો થઈને બહાર વહેવા લાગ્યું હતું. મોડી રાત્રે બનેલી આ ઘટનાને કારણે સંપની આસપાસ અને મુખ્ય માર્ગ પર પાણીનો મોટો પ્રવાહ જોવા મળ્યો હતો, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના દાવા મુજબ, આ ઘટના પાછળ સંપ પર તૈનાત ફરજ પરનો કર્મચારી જવાબદાર છે. કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન ગાઢ નિંદ્રામાં પોઢી ગયો હોવાથી ટાંકો ભરાયા બાદ પણ પાણી બંધ કરવામાં આવ્યું ન હતું, જેના પરિણામે ટાંકો સતત ઓવરફ્લો થતો રહ્યો હતો. શહેરમાં જ્યારે પાણીની તંગી વર્તાઈ રહી છે અને નાગરિકો બબ્બે ટીપાં માટે વલખા મારી રહ્યા છે, ત્યારે આ પ્રકારે લાખો લિટર પાણીનો વેડફાટ થવો એ વહીવટી તંત્રની ગંભીર લાપરવાહી દર્શાવે છે.
રસ્તા પર પાણીનો નકામો પ્રવાહ વહેતો જોઈને આસપાસના જાગૃત લોકો અને રાહદારીઓ ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. નાગરિકોએ આ સમગ્ર બેદરકારીનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો અને રોષ વ્યક્ત કર્યો હતો. બાદમાં એક જાગૃત નાગરિક દ્વારા મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓને ફોન કરીને જાણ કરવામાં આવ્યા બાદ પાણીનો પ્રવાહ અટકાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા આ બાબતે સત્વરે તપાસ કરીને બેદરકાર કર્મચારી સામે કડક શિસ્તભંગના પગલાં લેવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
