મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મહિલાઓની સુરક્ષાને લઈને વધુ એક કલંકિત કિસ્સો સામે આવ્યો છે. બોરીવલીથી વિરાર તરફ જતી એક લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહેલી યુવતી સાથે એક સહ-પ્રવાસીએ અયોગ્ય સ્પર્શ કરીને અડપલાં કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિત યુવતીએ આ 'બેડ ટચ'નો તીવ્ર વિરોધ કરતા મામલો ગરમાયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિ વણસતા યુવતીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે આરોપી તરફ ચંપલ ફેંક્યું હતું, જેના જવાબમાં આરોપીએ પણ ગાળાગાળી કરીને યુવતી પર ચંપલ ઉગામ્યું હતું. ટ્રેન નાયગાંવ સ્ટેશને પહોંચી ત્યારે પણ આ વિવાદ ચાલુ રહ્યો હતો અને આરોપીએ માનવતાની તમામ હદો વટાવીને યુવતીને ટ્રેનમાંથી નીચે ધકેલી દીધી હતી.
ટ્રેનમાંથી નીચે પટકાવાના કારણે યુવતી બે ડબ્બા વચ્ચેની જગ્યામાં ફસાઈ ગઈ હતી અને જ્યારે તે પ્લેટફોર્મ પર ચડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક ટ્રેન ઉપડી જવાથી તેનો ડાબો હાથ ટ્રેનના પૈડા નીચે આવી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં કોણી પાસે તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો અને તેના માથામાં પણ ગંભીર ઈજાઓ થતાં ૧૬ ટાંકા આવ્યા હતા. જોકે, પ્લેટફોર્મ પર હાજર કેટલાક સાહસિક પ્રવાસીઓ અને પોલીસકર્મીએ સમય સૂચકતા વાપરીને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. આ ભીડભાડ અને અફરાતફરીનો લાભ લઈને આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, પરંતુ સરકારી રેલવે પોલીસ (GRP) દ્વારા સઘન તપાસ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.
હોસ્પિટલના બિછાનેથી ન્યાયની ગુહાર લગાવતી પીડિતાએ જણાવ્યું કે આ ઘટનાએ તેનું આખું જીવન બરબાદ કરી નાખ્યું છે અને તે પોતાના પરિવારની એકમાત્ર જવાબદારી સંભાળતી હતી. બીજી તરફ, યુવતીના પરિવારે પોલીસ તપાસ સામે અસંતોષ વ્યક્ત કર્યો છે કારણ કે શરૂઆતમાં આરોપી સામે હત્યાના પ્રયાસ (કલમ 109) જેવી ગંભીર કલમ ઉમેરવામાં આવી નહોતી. આ મામલે રાજકીય પક્ષના હસ્તક્ષેપ બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ યોગ્ય કલમો ઉમેરવાની ખાતરી આપી છે. આ ઘટનાએ રોજબરોજ મુસાફરી કરતી લાખો મહિલાઓની સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે.
