JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી, 7 કરોડની ખંડણી માંગનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આવ્યો ફોન

| By JAMNAGAR MIRROR
અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી, 7 કરોડની ખંડણી માંગનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે આવ્યો ફોન
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આરોપીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ફોન અને વોટ્સએપ દ્વારા સંપર્ક કરી ૭ કરોડ રૂપિયાની તોતિંગ ખંડણીની માંગણી કરી છે.

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર મામલો સામે આવ્યો છે. કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય હોવાનો દાવો કરનાર એક અજાણ્યા શખ્સે દિલ્હીના તિલક નગર મતવિસ્તારના ધારાસભ્ય જરનૈલ સિંહને ફોન અને વોટ્સએપ પર ધમકીભર્યા સંદેશાઓ મોકલ્યા હતા. આરોપીએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો સાત કરોડ રૂપિયાની ખંડણી ચૂકવવામાં નહીં આવે, તો અરવિંદ કેજરીવાલ અને તેમની પુત્રી હર્ષિતા કેજરીવાલને મોતને ઘાટ ઉતારી દેવામાં આવશે. આ ગંભીર ધમકી મળ્યા બાદ રાજકીય અને સુરક્ષા વર્તુળોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.

ગત ૬ નવેમ્બરના રોજ ધારાસભ્ય જરનૈલ સિંહે મોહાલીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) સમક્ષ સત્તાવાર રીતે લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે વોટ્સએપ પર 'H' પ્રોફાઈલ નામ ધરાવતા નંબરથી આવેલા આ સંદેશામાં મૌખિક અને લેખિત બંને પ્રકારે ખંડણીની માંગણીનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું. આરોપીએ ધારાસભ્યના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાના હોદ્દાનો દુરુપયોગ કરીને આ ધમકી કેજરીવાલ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોહાલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને IT એક્ટની કલમ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ કેસની તપાસ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ઈન્સ્પ્રેટર સુનીલ કુમારને સોંપવામાં આવી છે, ત્યારે ધારાસભ્યએ પોલીસ સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરી છે. પોલીસ પાસે આરોપીના મોબાઈલ નંબરના કોલ ડિટેલ રેકોર્ડ્સ (CDR), IP લોગ્સ અને લોકેશન ટ્રેસ કરવાની વિનંતી કરવામાં આવી છે જેથી તેના અન્ય સાથીદારોનો પણ પર્દાફાશ કરી શકાય. આ સાથે જ, મળેલી ધમકીઓની ગંભીરતાને જોઈને અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત સુરક્ષા એજન્સીઓ સાથે ત્વરિત સંકલન સાધવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પોલીસે વોટ્સએપ મેસેજના સ્ક્રીનશોટ સહિતના પુરાવાઓ એકત્ર કરીને આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દીધી છે.

LATEST ARTICLES