તાજેતરમાં યોજાયેલા ઇટી વેલ્થ એક્સ્પો ૨૦૨૬માં દેશના નામાંકિત નાણાકીય અને કાનૂની નિષ્ણાતોએ પરિણીત યુગલો માટે ફાઇનાન્સિયલ પ્લાનિંગના મહત્વના પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ ચર્ચામાં કૈતાન એન્ડ કંપનીના પાર્ટનર અદિતિ શર્મા, એએમકેએન એન્ડ કોના ફાઉન્ડર-પાર્ટનર નીતિન કૌશિક, લેડર સેવન ફાઇનાન્શિયલ એડવાઇઝરીઝના ફાઉન્ડર સુરેશ સદાગોપન અને ઇવાય ઇન્ડિયાના ટેક્સ પાર્ટનર હિતેન શાહ જેવા દિગ્ગજોએ ભાગ લીધો હતો. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર ટેક્સ બચાવવાની માઇક્રો સોચથી આગળ વધીને કપલ્સે એસેટ્સની સુરક્ષા અને કટોકટીના સમયમાં તેની સરળ ઉપલબ્ધતા જેવા મેક્રો પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો કોઈ એક જ વ્યક્તિના નામે તમામ સંપત્તિ હોય, તો અચાનક અવસાન કે અશક્તતાના સંજોગોમાં જીવનસાથીને તે મિલકત મેળવવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સંયુક્ત રીતે મિલકતની ખરીદી કરતી વખતે ભવિષ્યના કાનૂની વિવાદોથી બચવા માટે ફંડિંગના સ્ત્રોત સ્પષ્ટ હોવા અનિવાર્ય છે, તેમ હિતેન શાહે જણાવ્યું હતું. જો મિલકતમાં પતિ-પત્ની બંનેનું યોગદાન સ્પષ્ટ રીતે રેકોર્ડ પર હોય, તો કૌટુંબિક કે વ્યક્તિગત વિવાદો ઊભા થવાની સ્થિતિમાં માલિકીની ટકાવારી નક્કી કરવામાં સરળતા રહે છે. વધુમાં, અદિતિ શર્માએ સ્પષ્ટતા કરી હતી કે નોમિની એ મિલકતનો વાસ્તવિક માલિક નથી હોતો પરંતુ માત્ર એક કસ્ટોડિયન કે રક્ષક છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ મુજબ કાયદેસરના વારસદારો જ મિલકતના મૂળ માલિક બને છે. તેથી, માત્ર બેંક ખાતા કે રોકાણમાં નોમિનેશન અપડેટ કરવું પૂરતું નથી, પરંતુ સ્પષ્ટ માલિકી દર્શાવતું 'વિલ' (વસિયતનામું) બનાવવું પણ એટલું જ આવશ્યક છે જેથી નોમિની અને કાયદેસરના વારસદાર વચ્ચે કોઈ વિસંગતતા ન સર્જાય.
પરિણીત યુગલોએ મૃત્યુ, છૂટાછેડા કે અપંગતા જેવી અનેક અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવા અગાઉથી જ તૈયારી રાખવી જોઈએ. સંયુક્ત માલિકીની મિલકતો સાથે કન્ટિન્યુટી પ્લાન બનાવવો એટલા માટે જરૂરી છે જેથી એકસાથીના અવસાન બાદ બીજાસાથીને તે એસેટ્સનો નિર્વિઘ્ન ઉપયોગ કરવાનો અધિકાર મળતો રહે. જોકે, જીવન વીમો, પીએફ અને ઈપીએફ જેવા ચોક્કસ ભંડોળના કિસ્સામાં કાયદો અલગ જોગવાઈ ધરાવે છે જ્યાં નજીકના સંબંધીને નોમિની બનાવવા પર તેઓ જ તે ચોક્કસ હેતુ માટે કાનૂની વારસદાર બને છે. આમ, સામાન્ય મિલકતો અને નાણાકીય ખાતાઓમાં નોમિની અને વારસદારના કાનૂની તફાવતને સમજીને યુગલોએ અત્યારથી જ યોગ્ય ઉત્તરાધિકારનું આયોજન કરવું હિતાવહ છે.
