JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટો ખેલ, 450થી વધુ શ્રદ્ધાળુઓ સાથે લાખોની ઠગાઈ કરી સંચાલકો ફરાર

| By JAMNAGAR MIRROR
સુરેન્દ્રનગરમાં હરિદ્વાર યાત્રાના નામે મોટો ખેલ, 450થી વધુ શ્રદ્ધાળુઓ સાથે લાખોની ઠગાઈ કરી સંચાલકો ફરાર
સુરેન્દ્રનગરમાં દિવાળી ટાણે હરિદ્વાર યાત્રા અને ભાગવત કથાના નામે 450થી વધુ શ્રદ્ધાળુઓ સાથે રૂપિયા 16.80 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. ભાઈબીજના દિવસે બસ ન આવતા અને ટ્રાવેલ્સ સંચાલકોના ફોન બંધ આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

દિવાળીના તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે ધાર્મિક યાત્રાનું આયોજન કરવાનો ઉત્સાહ સુરેન્દ્રનગરના અનેક નાગરિકો માટે ભારે સાબિત થયો છે. ટ્રાવેલ્સના ત્રણ ભેજાબાજ સંચાલકોએ હરિદ્વાર યાત્રાના આકર્ષક આયોજનની આડમાં આશરે 450થી વધુ ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવ્યા હતા. આરોપીઓએ વ્યક્તિદીઠ માત્ર 4,200 રૂપિયા ઉઘરાવવાની સાથેસાથે શ્રીમદ્ ભાગવત કથામાં હાજરી આપવા બદલ દિવસના 700 રૂપિયા એટલે કે કુલ રકમ પરત આપવાની પણ લાલચ આપી હતી. આ ઉપરાંત, પ્રવાસમાં એસી બસ, એસી રૂમ, ભોજન અને ચા-નાસ્તા જેવી તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેના કારણે મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ યોજના હેઠળ ભાઈબીજના પવિત્ર દિવસે હરિદ્વાર જવા માટે તમામ મુસાફરોને સુરેન્દ્રનગર ખાતે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતું. કલાકો સુધી રાહ જોયા બાદ પણ જ્યારે નિર્ધારિત બસ ન આવી ત્યારે શ્રદ્ધાળુઓની ચિંતા વધી ગઈ હતી. મુસાફરોએ જ્યારે ટ્રાવેલ્સ સંચાલકોનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તમામના ફોન સ્વીચ ઓફ જણાયા હતા, જેનાથી તેમની સાથે છેતરપિંડી થઈ હોવાની સ્પષ્ટ શંકા ગઈ હતી. તહેવારના દિવસોમાં પરિવાર સાથે હરવા-ફરવાના સપનાં જોઈ રહેલા અનેક પરિવારોએ તો વ્યાજ કે ઉછીના નાણાં લઈને આ પ્રવાસ માટે નાણાં ચૂકવ્યા હતા, જેના કારણે હવે તેઓ આર્થિક અને માનસિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

આ ગંભીર ઠગાઈની ઘટના સામે આવતા ભોગ બનેલા નાગરિકો દ્વારા ત્વરિત પગલાં રૂપે સુરેન્દ્રનગરના A ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રારંભિક તપાસમાં અંદાજે 450થી વધુ લોકો પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાથી છેતરપિંડીનો આંકડો 18.90 લાખ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને નાસી છૂટેલા ત્રણેય ભેજાબાજ સંચાલકોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. બીજી બાજુ, છેતરાયેલા શ્રદ્ધાળુઓએ વહેલી તકે આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને તેમના પરસેવાની કમાણીના નાણાં સુરક્ષિત રીતે પરત મળે તેવી ઉગ્ર માગણી કરી છે.

LATEST ARTICLES