દેશના સૌથી પ્રતિષ્ઠિત સ્વચ્છતા સર્વેક્ષણ 'સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૫-૨૬' ના પરિણામો જાહેર થયા છે, જેમાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. સતત આઠ વર્ષ સુધી દેશમાં પ્રથમ ક્રમે રહેનારા ઇન્દોરનો વિજયી સિલસિલો આ વર્ષે અટક્યો છે અને નવી મુંબઈએ પ્રથમ સ્થાન મેળવીને નવો ઇતિહાસ રચ્યો છે. આ રાષ્ટ્રીય રેન્કિંગમાં સુરતે બીજું અને વિજયવાડાએ ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે. આ વર્ષે 'સ્વચ્છતા કી નયી પહેલ - બઢાયેં હાથ, કરેં સફાઈ સાથ' થીમ પર આધારિત આ સર્વેક્ષણમાં દેશભરની ૪,૭૦૦ કરતા વધુ શહેરી સ્થાનિક સંસ્થાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં દેશના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે વિજેતા શહેરોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા નવી પહેલ શરૂ કરીને 'સ્વચ્છ શહર જોડી' અંતર્ગત મેન્ટર સિટી કેટેગરી પણ બનાવવામાં આવી હતી, જેમાં અગાઉ વિજેતા રહેલા ઇન્દોરે તેના ભાગીદાર શહેર દેપાલપુર સાથે મળીને આ કેટેગરીમાં બીજું સ્થાન મેળવ્યું છે. જ્યારે અમદાવાદ અને તેના ભાગીદાર શહેર સાણંદે આ કેટેગરીમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત, વિવિધ કેટેગરીમાં અન્ય શહેરોએ પણ બાજી મારી છે; જેમ કે દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં ગ્રેટર વિશાખાપટ્ટનમે ટોચનું સ્થાન મેળવ્યું છે, જ્યારે રિવરફ્રન્ટ ટાઉનમાં મધ્યપ્રદેશનું રીવા પ્રથમ ક્રમે રહ્યું છે. હિમાલયન શહેરોની શ્રેણીમાં રુદ્રપ્રપુર સૌથી સ્વચ્છ શહેર સાબિત થયું છે અને દરિયાકાંઠાના શહેરોમાં ઓડિશાનું પુરી પ્રથમ ક્રમે આવ્યું છે.
કેન્દ્રીય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સર્વેક્ષણ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને ડિજિટલ રહી હતી, જેમાં ૩,૦૦૦ થી વધુ પ્રશિક્ષિત મૂલ્યાંકનકારોએ જીપીએસ-સક્ષમ ટેકનોલોજીની મદદથી જમીની સ્તરે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી. ખાસ કરીને મેન્ટર સિટીઝની પહેલને કારણે સહયોગી શહેરોમાં સ્વચ્છતાના ધોરણોમાં અભૂતપૂર્વ સુધારો જોવા મળ્યો છે, જેમાં ઘર-ઘર કચરો એકત્ર કરવાની ક્ષમતા ૭૪ ટકા સુધી પહોંચી ગઈ છે. આ સઘન પ્રયાસો અને પારદર્શક મૂલ્યાંકનને કારણે દેશભરમાં સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને નાગરિકોની ભાગીદારીમાં મોટો વધારો નોંધાયો છે, જે આવનારા સમયમાં ભારતના શહેરોને વધુ હરિયાળા અને સ્વચ્છ બનાવશે.
