જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના અંતરિયાળ ડાચન-મરવાહ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ફરજ પરથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલા બે સ્પેશિયલ પોલીસ ઓફિસર્સ (SPO)ના મૃતદેહ ઢેરના પોસ્ટ પાસેથી મળી આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતકોની ઓળખ ૪૦ વર્ષીય રશ્પાલ કુમાર અને ૫૪ વર્ષીય બાબી ચંદ તરીકે થઈ છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ બંને જવાનો સેના સાથે પેટ્રોલિંગ ડ્યુટી પર હતા અને ઢેરના પોસ્ટ પર તૈનાત અન્ય સાથીદારોને રાહત આપવા માટે આગળ વધી રહ્યા હતા તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દિવસ દરમિયાન આ વિસ્તારમાં ગોળીબારનો અવાજ પણ સાંભળવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંનેના ફોન સ્વિચ ઓફ આવતા ચિંતા વધી ગઈ હતી.
સુરક્ષાદળોની સંયુક્ત સર્ચ પાર્ટી દ્વારા કલાકોની ભારે જહેમત બાદ આજે સવારે બંને જવાનોના ક્ષત-વિક્ષત મૃતદેહો ઢેરના ટોપ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. તપાસ દરમિયાન એક જવાનના માથામાં અને બીજાના પીઠ પર ગોળી વાગી હોવાનું સામે આવ્યું છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ સામાન્ય દુર્ઘટના નથી પરંતુ આતંકવાદીઓ દ્વારા અગાઉથી ગોઠવાયેલું એક મોટું કાવતરું હતું. એટલું જ નહીં, જવાનો પાસે રહેલી INSAS અને .૩૦૩ રાઈફલો પણ ગાયબ છે, જે પરથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો હત્યા બાદ તેમની ઘાતક રાઈફલો અને હથિયારો પણ લૂંટીને નાસી છૂટ્યા છે.
આ દર્દનાક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને ફરાર આતંકવાદીઓને ઝડપી પાડવા માટે પોલીસ તથા સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સંયુક્ત સર્ચ ઓપરેશન વધુ તેઝ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કિશ્તવાડના આ જંગલી અને દુર્ગમ વિસ્તારોમાં અગાઉ પણ સુરક્ષાદળો દ્વારા આતંકવાદ વિરોધી અભિયાન ચલાવવામાં આવ્યા છે, જેના કારણે સ્થાનિક સ્તરે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી રહી છે. થોડા સમય અગાઉ જ આ જ જિલ્લામાં જમીન વિવાદને કારણે અન્ય એક એસપીઓની હત્યાની ઘટના પણ સામે આવી હતી, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં સુરક્ષા અને કાયદો જાળવવો એ સુરક્ષાદળો માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
