JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
બિઝનેસ

એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ વધુ એક વિવાદમાં, કંપનીની જ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ સાથે અફેરમાં હોવાનો ઘટસ્ફોટ

| By JAMNAGAR MIRROR
એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ વધુ એક વિવાદમાં, કંપનીની જ મહિલા વાઈસ પ્રેસિડેન્ટ સાથે અફેરમાં હોવાનો ઘટસ્ફોટ
ટેક જાયન્ટ એનવીડિયાના સીઈઓ જેન્સેન હુઆંગ સામે વધુ એક ગંભીર ખુલાસો થયો છે. 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના અહેવાલ મુજબ, તેઓ પોતાની જ કંપનીમાં સીધા રિપોર્ટ કરતી મહિલા વાઈસ પ્રેસિડેન્ટ સાથે સંબંધમાં હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.

વિશ્વની અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચિપ નિર્માતા કંપની એનવીડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જેન્સેન હુઆંગ હાલમાં ભારે મુશ્કેલીઓમાં ઘેરાયેલા નજરે પડી રહ્યા છે. તાજેતરમાં જ એક ચીની બિઝનેસમેન સાથેના કથિત સંબંધો અને જાસૂસીના આરોપો બાદ, હવે 'ધ ન્યૂ યોર્ક ટાઈમ્સ'ના તાજા અહેવાલે કંપનીની આંતરિક વ્યવસ્થા પર ગંભીર સવાલો ખડા કર્યા છે. અહેવાલ અનુસાર, હુઆંગના સંબંધો કંપનીના હેલ્થકેર વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પાવેલ સાથે પણ હતા, જેઓ સીધા સીઈઓને જ રિપોર્ટ કરતા હતા. આ બાબતે કંપનીની અંદર પણ ચર્ચાઓ થઈ ચૂકી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

કંપનીના આંતરિક નિયમો અને કોડ ઓફ કંડક્ટ મુજબ, કોઈપણ મેનેજર અને તેને રિપોર્ટ કરતા કર્મચારી વચ્ચે અંગત સંબંધો હોવા પર પ્રતિબંધ છે, જેથી હિતોના ટકરાવ (કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ)થી બચી શકાય. કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, માર્ચ મહિનામાં કેલિફોર્નિયાના સાન જોઝ ખાતે યોજાયેલી એક કોન્ફરન્સ દરમિયાન જેન્સેન હુઆંગ અને કિમ્બર્લી પાવેલને એક હોટેલમાં સાથે જાહેરમાં જોવામાં આવ્યા હતા. કિમ્બર્લી પાવેલ વર્ષ ૨૦૦૮થી એનવીડિયા સાથે જોડાયેલા છે અને હાલમાં હેલ્થકેર તથા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ચિપ ટેકનોલોજીના ઉપયોગની પહેલનું સંચાલન સંભાળી રહ્યા છે.

આ નવો ખુલાસો એવા સમયે સામે આવ્યો છે જ્યારે જેન્સેન હુઆંગ અગાઉથી જ ચીની ગુપ્તચરો સાથેના કથિત સંબંધોને લઈને તપાસનો સામનો કરી રહ્યા છે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે એલિસ હુઆંગ નામની એક ચીની મહિલા સાથેના સંબંધોના કારણે એનવીડિયાની એડવાન્સ AI ચિપ્સ ચીન સુધી પહોંચાડવાનો પ્રયાસ થયો હતો. આ વિવાદો વચ્ચે જેન્સેન હુઆંગે બોર્ડ સમક્ષ પોતાની પત્ની પ્રત્યે બેવફા હોવાની કબૂલાત પણ કરી ચૂંક્યા છે. હાલમાં એનવીડિયાના બોર્ડ દ્વારા એક કાનૂની ફર્મની મદદથી આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જેણે વૈશ્વિક ટેક માર્કેટમાં હલચલ મચાવી દીધી છે.

LATEST ARTICLES