અમેરિકી ટેકનોલોજી કંપની એનવીડીયાના સીઈઓ જેન્સેન હ્વાંગ સાથે જોડાયેલા વિવાદો વચ્ચે ચીન દ્વારા અમેરિકી પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંબંધો બાંધવા માટે મહિલાઓનો ઉપયોગ કરવાની જૂની પદ્ધતિ ફરી ચર્ચામાં આવી છે. આ પદ્ધતિ કોઈ નવી નથી, કારણ કે આ ઘટનાના લગભગ એક દાયકા પહેલા ક્રિસ્ટીન ફાંગ ઉર્ફે 'ફેંગ ફેંગ' નામની અન્ય એક ચીની મહિલાએ અમેરિકી રાજકારણીઓ, ભંડોળ એકત્ર કરનારાઓ અને મેયરો સાથે ગાઢ સંબંધો બનાવ્યા હતા. તાજેતરમાં જ ડિક્લાસિફાઈડ થયેલી એફબીઆઈની ફાઇલો દ્વારા તેના સમગ્ર ઓપરેશનની વિગતો બહાર આવી છે, જેમાં કોંગ્રેસમેન એરિક સ્વાલવેલ સાથેના ઘનિષ્ઠ સંબંધો, ગેરકાયદેસર ચૂંટણી ફંડના શંકાસ્પદ પ્રયાસો અને એફબીઆઈ દ્વારા તેને ગુપ્તચર એજન્ટ તરીકે ભરતી કરવાના પ્રયાસોનો સમાવેશ થાય છે.
વર્ષ ૨૦૧૧ની આસપાસ સેન ફ્રાન્સિસ્કો બે એરિયામાં આગમન કરનાર ફેંગ ફેંગે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન યુનિવર્સિટીની ચાઈનીઝ સ્ટુડન્ટ એસોસિએશન અને અન્ય સંગઠનોનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેણે રાજકારણીઓ, વેપારીઓ અને ચીની કોન્સ્યુલર અધિકારીઓ માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. અમેરિકી તપાસકર્તાઓ અને ગુપ્તચર અધિકારીઓના મતે તે ચીનના મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ સિક્યુરિટી (MSS) માટે કામ કરતી હતી. એફબીઆઈએ મે ૨૦૧૩માં લા વેગાસમાં 'રસ્ટી થમ્બ્સ' નામના ઓપરેશન હેઠળ તેને ગુપ્તચર સ્ત્રોત તરીકે ભરતી કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આ પ્રયાસ સફળ રહ્યો ન હતો અને બાદમાં એફબીઆઈએ તેના રાજકીય સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ફેંગ ફેંગના સૌથી ચર્ચિત સંબંધો તત્કાલીન ડેમોક્રેટિક રાજકારણી એરિક સ્વાલવેલ સાથે રહ્યા હતા, જેમણે વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૫ દરમિયાન તેની સાથે શારીરિક સંબંધો હોવાનું સ્વીકાર્યું હતું. ફેંગ ફેંગે સ્વાલવેલની ચૂંટણી પ્રચાર માટે ફંડ એકત્ર કરવામાં મદદ કરવા ઉપરાંત તેમની ઓફિસમાં ઇન્ટર્નશીપ મેળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. એફબીઆઈએ ગેરકાયદેસર ચૂંટણી ભંડોળ અને વિદેશી નાગરિકોની સંડોવણી મામલે 'ફ્રેશમેન ફિફ્ટીન' નામે તપાસ પણ શરૂ કરી હતી, જો કે સ્વાલવેલ સામે કોઈ ગુનાહિત સાબિતી ન મળતા તેમને તપાસમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફેંગ ફેંગે અન્ય અનેક મેયરો અને રાજકારણીઓ સાથે પણ સંબંધો વિકસાવ્યા હતા અને વર્ષ ૨૦૧૫માં અચાનક અમેરિકા છોડીને ચીન પરત ફરી હતી.
