ભારત સરકાર દ્વારા વિદેશી નાગરિકો માટે દેશમાં આગમનની વિઝા વ્યવસ્થાને વધુ સ્પષ્ટ, સરળ અને વ્યવસ્થિત બનાવવા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અને વિકસિત દેશોની વિઝા પ્રણાલીઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિઝાની મુખ્ય શ્રેણીઓ 13 થી ઘટાડીને 9 અને ઉપ-શ્રેણીઓની સંખ્યા 49 થી ઘટાડીને 23 કરી દીધી છે. આ સાથે જ વિઝા અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરવાના કોલમની સંખ્યામાં 65 થી 70 ટકા સુધીનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે, જેથી વિદેશી નાગરિકોનો કિંમતી સમય બચી શકે અને પ્રક્રિયા વધુ ઝડપી બને.
યાત્રાના સમાન ઉદ્દેશ્યોને એક જ શ્રેણીમાં સામેલ કરવાથી અરજદારોને યોગ્ય વિઝા પસંદ કરવામાં ખૂબ જ સરળતા રહેશે. આ નવી સંશોધિત વ્યવસ્થા આગામી વર્ષ 2026ના અંત સુધીમાં સંપૂર્ણપણે અમલમાં આવી જશે, જેના માટે અત્યારથી જ આઈટી સિસ્ટમને અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. હાલની સ્થિતિએ વિશ્વના 172 દેશોના નાગરિકોને ભારતની ઈ-વિઝા સુવિધા ઉપલબ્ધ છે, ત્યારે આ નવા સુધારાઓથી વૈશ્વિક સ્તરે ભારત આવતા પ્રવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
નવી વ્યવસ્થા અંતર્ગત વિઝિટર વિઝા, મેડિકલ અને આયુષ વિઝા તેમજ સ્ટુડન્ટ વિઝામાં પણ મહત્ત્વના ફેરફારો કરાયા છે. પરંપરાગત પ્રવાસન ઉપરાંત અન્ય ગતિવિધિઓને આવરી લેવા ટૂરિસ્ટ વિઝાનું નામ બદલીને 'વિઝિટર વિઝા' કરાયું છે, જેને V-1 અને V-2 ઉપ-શ્રેણીઓમાં વહેંચવામાં આવ્યો છે. આધુનિક ચિકિત્સા માટે M-1 અને આયુષ પદ્ધતિ માટે M-3 વિઝાની જોગવાઈ કરાઈ છે, જ્યારે દર્દીઓના સહાયકો માટે ડિફોલ્ટ રૂપે એક વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા મળશે. આ ઉપરાંત, 'સ્ટડી ઈન્ડિયા' પોર્ટલ દ્વારા પ્રવેશ મેળવનાર વિદેશી વિદ્યાર્થીઓને પાંચ વર્ષ સુધીનો ઈ-સ્ટુડન્ટ વિઝા મળવાની જોગવાઈ કરવામાં આવી છે.
